- જે તે સમયે છ જેટલી જૈન ધર્મની મૂર્તિ મળી આવતાં બાંધકામ અટકાવવાની અરજી કરાઈ હતી.
- પાલિકા બે માસ જાગીને બિલ્ડીંંગને સીલ મારવા સાથે પ્રવેશ બંદી કરવામાં આવી.
- બે માસ જેટલો સમય વિતવા છતાં પાલિકા ઘોર નિંદ્રામાં રહેતા બાંધકામ કરતાને છુટછાટ અપાતા મકાનનું કામ પૂર્ણ કર્યું હોવાનો આક્ષેપ.
ગોધરા,
ગોધરાના કડીયાવાડ ચોકમાં ર્ડા. મઝાહીર મીઠીબોર વાલા દ્વારા મકાન નિર્માણ અર્થેના ખોદકામ કરતી વખતે પુરાતન અવશેષો મળી આવ્યા હતા અને છ જેટલી જૈન ધર્મની મૂર્તિઓ સગેવગે કરવામાં આવતાં બાંધકામ અટકાવી દેવા અંગે અરજદાર દ્વારા ગત ઓકટોમ્બર માસમાં અરજી અપાઈ હતી. પરંતુ ગોધરા નગરપાલિકા બે માસ બાદ મોડે મોડે જાગીને બાંધકામ અટકાવવા સાથે મકાનને સીલ મારવામાં આવતાં આશ્ર્ચર્ય સાથે ખળભળાટ મચી ગયો હતો.
ગત તા.૮/૧૦/૨૦૨૦ના રોજ અરજદાર આરીફ એસ.યાયમન દ્વારા ગોધરા નગરપાલિકાના મુખ્ય અધિકારીને કરવામાં આવેલી અરજીમાં જણાવ્યુંહતું કે, ગોધરાના કડીયાવાડ ચોક વિસ્તારમાં આવેલ ડો.મઝાહીર મીઠીબોરવાલા દ્વારા એક બિલ્ડીંગનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. તે બિલ્ડીંગના પાયા તથા ગાડીઓ માટે પાર્કિંગની વ્યવસ્થા કરવાના હેતુસર ભોયતળીયાના ખોદકામ કરતા હતા. તે સમય દરમ્યાન નાની મોટી જૈન ધર્મ ની આશરે ૨૦૦ થી પ૦૦ વર્ષ જૂની છ જેટલી મૂર્તિઓ ખોદકામ દરમ્યાન મળી આવેલ છે. જે મૂર્તિઓને બિ૯ડીંગ કોન્ટ્રાકટર તેમજ તે જગ્યાના માલિક ર્ડા.મઝાહીર મીઠીબોરવાલાએ આ અંગે વહીવટીતંત્રને કે પુરાતન વિભાગને જાણ કર્યા વગર આ બન્ને વ્યકિતઓના મેળાપીપણામાં આ મૂર્તિઓને બારોબાર અજ્ઞાત જગ્યાએ મૂકાવી દીધેલ છે. અને આ જગ્યા ઉપર વધુ ખોદકામ ન કરી તે જગ્યા ઉપર માટી પુરાણ કરી બારોબાર સ્લેબ ભરી દીધેલ છે. જેથી વધુ આના પુરાવાઓ મળી શકે નહી અને એક ધાર્મિક બાબત ઉભી ન થાય અને પોતાના અંગત સ્વાર્થને સાધવા માટે આ બન્ને વ્યકિતઓએ એક કાયદેસરની ગંભીર ભૂલ કરેલ છે.
જેથી અરજદારની માંગણી છે કે, આ જગ્યાઓ ઉપર તંત્રના માર્ગદર્શન હેઠળ તે સ્થળ પર વધુ ખોદકામ કરવામાં આવે તો વર્ષો જુના પુરાતન અવશેષો હજુ પણ મળી આવે તેવી શકયતાઓ છે. અને છ જેટલી મૂર્તિઓ જમીનના ખોદકામ દરમ્યાન મળી આવતા ગોધરા નગરપાલિકાના મુખ્ય અધિકારીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ તા.૮/૧૦/૨૦૨૦ના રોજ અરજદાર આરીફ.એસ.યાયમન દ્વારા કરવામાં આવતાં ગોધરા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. બાદમાંં તા.૧૦/૧૨/૨૦૨૦ના રોજ ગોધરા નગરપાલિકા દ્વારા એકશનમાં આવીને બાંધકામ કરતાને નોટીસ આપીને જણાવ્યુ હતું કે, મો.જે. ગોધરાના કડીયાવાડ વિસ્તારમાં આવેલ ટી.પી.૨ નં.સી.ટી.સર્વે નં.૨૨૬૩, ૨૨૬૪, ૨૨૬૫ વાળી મિલ્કતમાં પ્રાંત અધિકારી અને સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ ગોધરા દ્વારા હુકમ ન.એમએજી/વશી/૬૯૩૭ થી ૬૯૪૪/ ૨૦૨૦ તા.૦૮/૧૨/૨૦૨૦ થી સ્થળે યથાવત પરિસ્થીતી જાળવી રાખવા હુકમ કરેલ છે. આ હુકમ અન્વયે યથાવત પરીસ્થિતી જાળવી રાખવા સદર મિલ્કતને સીલ કરવામાં આવે છે. આ સીલ કરેલી મિલ્કતમાં કોઈ પણ ઈસમે પ્રવેશ કરવો / કરાવવો નહીં. કોઈપણ કામ કરવું/કરાવવું નહીં, કોઈપણ ઉપયોગ કરવો/ કરાવવો નહીં. જો તેમ કરવામાં ચૂક કરી નોટીસનો અનાદર કરવામાં આવશે. તો નોટીસને અનાદર કરનાર ઈસમો સામે ફોજદારી રાહે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેની સખત નોંધ લેશો. અત્રે નોંધનીય છે કે અરજદાર દ્વારા બે માસ પૂર્વે પુરાતન અવશેષો મળી આવવા અંગેની અરજી તંત્રને સુપ્રત કરી હતી. પરંતુ મોડે મોડે બે માસ બાદ તંત્ર જાગીને બાંધકામ કર્તાને બાંધકામ અટકાવી દેવા અને મિલ્કતને સીલ કરવાને લઈને પાલિકા તંત્ર વિવાદમાંં સપડાયું છે. જો જે તે સમયે જ પાલિકા તંત્ર એકશનમાં આવ્યું હોત અને બાંધકામ અટકાવી દઈને પુરાતન અવશેષોપ ગણાતી મૂર્તિઓને શોધખોળની તજવીજ હાથ ધરી શકી હોત પરંતુ નગરપાલિકા એજ બે માસ જેટલો સમય વેડફી અને બાંધકામ કરતાને વધુ બાંધકામ કરવા માટે પરોક્ષ રીતે મીલીભગતથી મદદગારી કરી હોવાના શહેરીજનો આક્ષેપ કરી રહયા છે. હાલમાં બિલ્ડીંગનું બાંધકામા પૂર્ણતાને આરે છે. ત્યારે ઘોડા છૂટયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાઈને ગોધરા નગરપાલિકાની શંકાસ્પદ કામગીરી ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે.
મહાકાળી મંદિર થી લઈને સોનીવાડ સુધી જમીનમાં પુરાતત્વ અવશેષો ધબરાયેલ છે…..
ગોધરા શહેર એક ઐતિહાસીક નગર છે. જૈન મંદિરો હોવાની સાથે જુના પુરાણા મકાનો નીચે પુરાતન અવશેષો ઘબરાયેલા જોવા મળે છે. જાણવા મળ્યા અનુસાર મહાકાળી મંદિર થી લઈને સોનીવાડ સુધીના આસપાસ વિસ્તારોના જુના મકાનોને નાશ કરવા સાથે નવિન બાંંધકામ માટે જ્યારે જ્યારે ખોદકામ કરવામાં આવે છે. ત્યારે ઐતિહાસીક મૂર્તિઓ તથા વાવ તથા પથ્થર માંથી બનાવેલ બાંધકામના અવશેષો મળી આવેલા છે. આ વિસ્તારમાં ભૂતકાળમાં અનેક પુરાતન પુરાતત્વીય સામગ્રી મળી આવેલ છે.
ગોધરા મામલતદાર કચેરીનું બાંધકામ આજ કારણોસર બંધ કરાયેલ છે…..
ગોધરા નગરની વચોવચ આવેલ મામલતદાર કચેરી અને પોલીસ મથકના જર્જરીત મકાનને નાશ કરીને આ સ્થળે નવિન બિલ્ડીંગ બાંધકામ માટે ખોદકામ કરવામાં આવ્યું હતું. મકાનના પાયાના ખોદકામ દરમ્યાન પુરાતત્વ ધરાવતી મૂર્તિઓ મળી આવતાં વડોદરા પુરાતત્વ વિભાગની ટીમ દ્વારા દિવસો સુધી અભ્યાસ અને વધુ ખોદકામ મળતા હજુ આ સ્થળે પુરાતત્વના અવશેષો મળી આવવાની સંભાવના વ્યકત કરીને નવું બાંધકામ કે ખોદકામ અટકાવવાની સૂચના અપાઈ છે. બે-ત્રણ વર્ષ ઉપરાંતનો લાંબો સમય વિતવા છતાં સરકારે સમગ્ર જમીનને કોર્ડન કરીને બાંધકામ બંધ કરવામાં આવેલું છે. ત્યારે પાલિકા દ્વારા ખાનગી માલિકની જગ્યા પર આવા અવશેષોના પુરાવાઓ આપવા સાથે નવિન બાંધકામ બંધ કરવાની આવેલી અરજી પ્રત્યે દુર્લક્ષ સેવીને સરકારના કાયદાનો ભંગ કર્યો હોવાના આક્ષેપો ઉઠયા છે.