ગોધરાની વાવડી બુઝર્ગ પ્રા.શાળાના ચાર ઓરડા જર્જરતી જોખમ વચ્ચે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ

ગોધરા,

ગોધરા શહેરના છેવાડે વાવડી બુઝર્ગ વિસ્તારમાં સરકારી પ્રાથમિક શાળા આવેલી છે. જેના ચાર ઓરડા ખૂબ જ જર્જરિત હાલતમાં જેમાં સ્લમ વિસ્તારના વિદ્યાર્થીઓ હાલ જોખમ વચ્ચે અભ્યાસ કરી રહ્યા છે. ધોરણ 1 થી 8 સુધીની આ શાળામાં 250 જેટલા વિદ્યાર્થીઓ છે. જેઓ શાળાના અન્ય સારા ઓરડામાં બેસી અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ જેમાં એક સાથે બે ધોરણના વિદ્યાર્થીઓ બેસાડવા પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે. વળી અહીં નવા ચાર ઓરડા બનાવવા માટે જર્જરિત ચાર ઓરડાને ડિસમેન્ટલ કરવા વર્ષ 2018 માં હુકમ કરી દેવાયો હતો, પરંતુ હજી સુધી સ્થિતિ જૈસે થે જોવા મળી રહી છે. સાથે જ શાળાની બંને તરફ રોડની ઉંચાઈ વધી જતાં ચોમાસામાં શાળામાં પાણી ભરાઈ જાય છે. ત્યારે વહેલી તકે નવા ઓરડા બનાવવામાં આવે એવી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં માંગ ઉઠી છે.

વળી અહીં શાળામાં વિદ્યાર્થીઓને રમવા માટે મેદાન પણ નથી સાથે જ અહીં કોમ્પ્યુટર પ્રજ્ઞા વર્ગ થકી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માટેની સુવિધા માટે ફાળવવામાં આવેલા કોમ્યુટર પણ ચોમાસામાં ખૂબ જ સાચવવા પડે છે. ઉલ્લેખનીય છે કે, અહીં નવીન ઓરડા બનાવવા માટે જગ્યાની ફાળવણી પણ થયેલી છે, પરંતુ સરકાર દ્વારા મંજુર કરાયેલા ઓરડા બનાવવા અંગેની કેટલાય સમયથી અટવાયેલી પ્રક્રિયા ક્યારે સંપન્ન થશે એ જોવું રહ્યું.

શહેરી વિસ્તારોમાં આવેલી આ શાળામાં દારૂણ પરિસ્થિતિમાં જીવન વ્યતિત કરતાં પરિવારના બાળકો અભ્યાસ કરી રહ્યા છે. જેઓ હાલ જાણે જીવતા જોખમ નો સામનો કરી રહ્યા છે. શાળાના ઓરડાની જર્જરિત સ્થિતિ ક્યારેય પણ બાળકો અને શિક્ષકો માટે યમદૂત સાબિત થઈ શકે એવી શક્યતાઓ નકારી શકાય એમ નથી. સરકારે ચાર વર્ષ અગાઉ જર્જરિત ઓરડા ડિસમેન્ટલ કરવા કરાયેલા હુકમ બાદ વિદ્યાર્થીઓ જેમાં અભ્યાસ કરવા હાલ મજબૂર બન્યા છે. ત્યારે નવીન મંજુર થયેલા ઓરડા જલ્દીથી બનાવવામાં આવે એવી વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં માંગ ઉઠી છે.