ગોધરાની તહુરા પ્રોટીન્સની 16.47 કરોડની તુવેરદાળની તપાસ એસઆઈટીને સોંપાઈ

ગોધરાની તહુરા પ્રોટીન્સમાં પુરવઠાની ટીમે દરોડા પાડીને આંધ્રપ્રદેશનો શંકાસ્પદ સરકારી તુવેરદાળનો રૂ.16,47,64,400 નો 11,13,300 કિગ્રાના જથ્થાને સીઝ કર્યો હતો. આ તુવેરદાળના જથ્થાની તપાસ કરવા કલેકટરે એસઆઈટીની રચના કરી છે. જેમાં પુરવઠા અધિકારીની અઘ્યક્ષતામાં જુદા જુદા 11 વિભાગના અધિકારીઓ જોડાઈ તહુરા પ્રોટીન્સમાં તપાસ કરી 15 દિવસમાં રિપોર્ટ કલેકટરને સોંપશે.

ગોધરાના મજાવર રોડ પર આવેલ તહુરા પ્રોટીન્સ (તુવેરદાળ મીલ) માં પુરવઠાના દરોડામાં આંધ્રપ્રદેશ રાજય સિવિલ સપ્લાય કોર્પોરેશન લિ.ના પી.ડી.એમ.તથા આઈસીડીએસ માર્કાવાળી શંકાસ્પદ તુવેરદાળનો રૂ.16.47 કરોડનો 11.33 લાખ કિ.ગ્રા.ના જથ્થાને સીઝ કર્યો હતો. પેકિંગની બેગ પર પતંજલી આર્યુવેદિક લિ.શોલાપુર મહારાષ્ટ્ર પ્રિન્ટિંગ કરેલ હતી. જયારે આ અધધત 16.47 કરોડની તુવેરદાળની તપાસ અને તહુરા પ્રોટીન્સ મીલની તપાસ કરવા કલેકટરે હુકમ કરીને એસઆઈટીની રચના કરી છે.

એસઆઈટી ટીમમાં પુરવઠા અધિકારી અને ના.કલેકટર મકવાણાની અઘ્યક્ષતામાં 11 વિભાગના અધિકારીઓનો ટીમનો સમાવેશ કર્યો છે. 16.47 કરોડની તુવેરદાળની તપાસ કરવા એસઆઈટીની ટીમ તહુરા પ્રોટીન્સમાં તપાસ કરવા પહોંચી હતી. જેમાં અધિકારીઓએ પોતાના વિભાગને લગતા દસ્તાવેજોની ચકાસણી શરૂ કરી હતી.એસઆઈટીમાં પોલીસનો પણ સમાવેશ કરાયો છે. ટીમ 15 દિવસમાં સમગ્ર તપાસ કરીને રિપોર્ટ કલેકટરને સોંપશે.