
ગોધરા, સિંધી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા વુમન વિંગ્સ દ્વારા શહીદ હેમુ કલાણીની પુણ્યતિથિ નિમિત્તે ગોધરાની પીટી મીરાણી હોસ્પિટલ પાછળ આવેલ શ્રીસ્વામી લીલા શાહ કુટિયા ગોધરા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગોધરાના ગૌરવ સમાન હોતચંદભાઈ ધમવાણી ઉર્ફે બાબુજીએ 146મી વાર રક્તદાન કરીને માનવ સેવાનો અનોખો યજ્ઞ ચાલુ રાખ્યો છે.
આ પ્રસંગે ખાસ પંચમહાલ જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કુ.કામિનીબેન ગોપાલસિંહ સોલંકી, નગરપાલિકા ગોધરાના પૂર્વ પ્રમુખ ગંગારામભાઈ હરવાણી, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના માનદ ચેરમેન ભોલંદા, કિશોરીલાલ ભાયાણી, કોમર્સ કોલેજ ગોધરાના પ્રો.અરૂણસિંહ સોલંકી અન્ય સિંધી સમાજના આગેવાનો અને રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ રક્તદાન કેમ્પમાં સૌ પ્રથમ રક્તદાન કોમર્સ કોલેજ ગોધરાના વિદ્યાર્થી પ્રેમ લાલવાણીએ કર્યું હતુંં. ઉલ્લેખનીય છે કે, પ્રેમ લાલવાણીએ પોતાના જીવનનું પ્રથમ રક્તદાન કર્યું હતું તે સમયે ગોધરાના સૌથી વધુ વખત રક્તદાન કરનાર હોતચંદભાઈ ધમવાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. શિબિરમાં કુલ 21 યુનિટ રક્ત એકત્રિત થયું હતું.
રક્તદાન શિબિરની સંપૂર્ણ સુંદર અને સફળ વ્યવસ્થા રેખાબેન ભગત, લતાબેન સેવાણી, અનિતા નર્સિંગાણી, વિશનીબેન વાઘવાણી, મીના હેમરાજાની, ગીતા હરજાણી, સિયા ખટવાણી સહિત સમગ્ર મહિલા મંડળે શાનદાર રીતે સંપન્ન કર્યું હતું.
આ પ્રસંગે કોમર્સ કોલેજ ગોધરાના પ્રો.અરૂણસિંહ સોલંકીનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.