ગોધરા, ગોધરા શહેરના વ્હોરવાડ વિસ્તારમાં રહેતી મહિલા સાથે મોરબીના ઈસમ દ્વારા ટ્રાન્સ્પોર્ટમાં ટાઈલ્સ મોકલવાનુ કહીને યુપીઆઈના માઘ્યમથી પૈસા મંગાવી લીધા હતા જે બાદ ટાઈલ્સ ન મોકલીને છેતરપિંડી કરી હતી. સમગ્ર બનાવ મામલે ગોધરા શહેર બી-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.
ગોધરા શહેરના વ્હોરવાડ વિસ્તારમાં આવેલ જમાલી મસ્જિદ પાસે રહેતા ફિઝા હુસેની સાલમ ભીખાપુરવાલા કુવેૈત ખાતે રહીને પોતાની કંપની ચલાવે છે. તેઓએ પોતાના ગોધરા ખાતે મકાનમાં રિનોવેશનનુ કામ હાથ ધર્યુ હોવાથી તેઓએ મોરબી ખાતેથી ટાઈલ્સ મંગાવી હતી. જેના માટે તેઓએ ઓનલાઈન ટ્રાન્સ્પોર્ટના નંબર માટે સર્ચ કર્યુ હતુ. જે બાદ ધનલક્ષ્મી રોડવેઝમાંથી સંજીવભાઈ નામના ઈસમનો ફોન આવ્યો હતો. ફિઝાબેન દ્વારા મોરબીથી ગોધરા તેઓની ટાઈલ્સ લાવવા જણાવ્યુ હતુ. જે બાદ સંજીવભાઈ દ્વારા રૂ.7 હજાર ભાડું નકકી કરવામાં આવ્યુ હતુ. જેને લઈને ગત તા.31 ડિસેમ્બરના રોજ સવારના 10 કલાકે ટાઈલ્સ ભરવા માટે જણાવ્યુ હતુ. જેમાં રૂ.3 હજાર એડવાન્સ અને રૂ.4 હજાર ગોધરા ખાતે ટાઈલ્સ ઉતાર્યા બાદ ચુકવવાનુ નકકી કરવામાં આવ્યુ હતુ. જે બાદ ટ્રક ચાલકનો ફોન આવ્યો હતો. જેણે જણાવ્યુ હતુ કે,તમારે પુરેપુરા પૈસા ચુકવવા પડશે, જે બાદ સામાન લોડ કરવામાં આવશે જેને લઈને ફિઝાબેન દ્વારા યુપીઆઈથી પુરેપુરા પૈસા ચુકવી દેવામાં આવ્યા બાદ ટ્રક ચાલકને ફોન કરતા ટ્રક ચાલકે ફોન ઉપાડયો ન હતો. જયારે સંજીવ નામના ઈસમનો મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ આવ્યો હતો. જેને લઈને સમગ્ર મામલે ગોધરા શહેર બી-ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધાવવા પામ્યો હતો.