ગોધરાની ગુમ થયેલી પરિણીતા 11 વર્ષ બાદ માતા પોતાનાં સંતાનોને મળી : રેલવે સ્ટેશન પર લાગણીસભર દૃશ્યોએ અનેકની આંખો ભીંજવી.

ગોધરાના ભામૈયામાં રહેતી અને 2013માં પિયર કનજિયા ગામેથી ગુમ થયેલી પરિણીતા છેલ્લાં 10 વર્ષથી કોલકતાની પવલોવ મેન્ટલ હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી. છેક દસ વર્ષ પછી ત્રણ નિરાધાર સંતાનોને માતાની મમતા મળી. લગભગ યાદદાસ્ત ગુમાવી ચૂકેલી અને અર્ધ બેભાન અવસ્થામાં સરી પડેલી આ મહિલાની કોલકાતાની હોસ્પિટલના ડોક્ટર્સ 10 વર્ષથી સારવાર કરી રહ્યા હતા. ડોક્ટર્સ અને સ્ટાફનો પ્રેમ અને હૂંફ જોઈ મહિલાને યાદશક્તિ પાછી આવી હતી. મહિલાએ પોતે ગુજરાતના ગોધરાની હોવાનું જણાવતા કોલકાતાના ડોક્ટરે ગોધરા પોલીસનો સંપર્ક કર્યો હતો. આજે 10 વર્ષે ડોક્ટર્સ અને પોલીસના સહિયારા પ્રયાસોથી મહિલા પરત આવી અને ત્રણ સંતાનો સાથે માતાનું મિલન થતાં વડોદરા રેલવે સ્ટેશન ઉપર લાગણીસભર દૃશ્યોથી સૌકોઈની આંખો ભીની થઈ હતી.

મહિલા વર્ષ 2013માં લગ્નપ્રસંગમાંથી ગુમ થઈ હતી
વર્ષ 2013માં ગોધરાના ભમૈયામાં રહેતી પરિણીત મહિલા કે જે ભમૈયાથી પરિવાર સાથે પિયર કનજિયા ગામે લગ્નપ્રસંગમાં ગઈ હતી અને ત્યાંથી ગુમ થઈ હતી. મહિલાની માનસિક સ્થિતિ ઠીક ન હોવાથી પરિવારજનો એ તેમની ખૂબ શોધખોળ કરી હતી. આર્થિક સ્થિતિ ઠીક નહીં હોવા છતાં બે વર્ષ જેટલા સમય સુધી શોધખોળ પછી હારેલા પરિવારે મહિલાની ભાળ મળવાની આશા ખોઈ નાખી હતી.

મહિલાની માનસિક સ્થિતિ અસ્થિર હતી
ગોધરા તાલુકાના કણજિયા ગામનાં ગીતાબેનનાં લગ્ન સામાજિક રીતરિવાજ મુજબ ભામૈયા પૂર્વ ગામના ભીમસિંહ પટેલ સાથે વર્ષો અગાઉ થયાં હતાં. તેઓના સુખી દાંપત્ય જીવનમાં કુદરતે બે પુત્રો અને એક પુત્રીની સંતાનો સ્વરૂપે ભેટ આપી હતી. દરમિયાન ગીતાબેન અચાનક માનસિક અસ્થિર થઈ જતાં તેમની સારવાર ચાલી રહી હતી, તે સમય દરમિયાન 2013માં ગીતાબેન પોતાના પિયર કણજિયા ગામમાં તેમના એક સગાંસબંધીનાં લગ્નપ્રસંગમાં ગયાં હતાં.

માનસિક અસ્થિરતાને લઈ લગ્નમાંથી ઘરે પરત ફર્યા નહોતાં અને ત્યાંથી ક્યાંક ચાલ્યાં ગયાં હતાં. જેથી ચિંતિત બનેલા પરિવારે સતત બે વર્ષ સુધી મહિલાની શોધખોળ આદરી હતી, પરંતુ કોઈ જ પત્તો મળી આવ્યો ન હતો, જેથી હારી થાકી શોધખોળ છોડી દીધી હતી. બીજી તરફ સંતાનોના પિતા ભીમસિંહ પટેલનું પણ થોડાં વર્ષોમાં મૃત્યુ થતા ત્રણેય સંતાનો માતા-પિતા વિના નિરાધાર બન્યાં હતાં.

ત્રણેય સંતાનોને દાદા-દાદી, કાકા-કાકી કે મામા-મામી નહીં હોવાથી તેઓનાં અન્ય સ્નેહીજનો અને માસા-માસી દ્વારા ભરણપોષણ માટે મદદ કરવામાં આવતી હતી. આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે સંતાનોએ અધવચ્ચે અભ્યાસ છોડવો પડ્યો હતો અને ભમૈયા છોડી કનજિયા તેમના નાના-નાનીના ખાલી પડેલા ઘરે રહી અને મજૂરી કરી જીવનનિર્વાહ કરી રહ્યાં હતાં. ત્યારે અચાનક 10 વર્ષ પછી ત્રણ સંતાનોને તેમની માતા કોલકાતામાં હયાત હોવાની જાણ થતા બાળકો ખુશીથી છલકાઈ ગયાં હતાં.

જો કે, નબળી આર્થિક સ્થિતિમાં માતાને કોલકાતાથી પાછી કેવી રીતે લાવવી તે અંગે મૂંઝવણ અનુભવતા ગોધરા પોલીસ ત્રણે સંતાનોની વહારે આવી હતી. પોલીસે ગીતાબેનને કોલકાતાથી ગોધરા લાવી ત્રણેય સંતાનોના જીવનમાં મમતાની મહેક પ્રસરાવવાનું બીડું ઝડપ્યું હતું. આ માટે પોલીસે સ્વ ખર્ચે બે કોન્સ્ટેબલને મહિલાના પરિવારના સભ્યો સાથે તાત્કાલિક કોલકાતા જવા રવાના કર્યા હતા. જો કે રેલવે ટિકિટનું રિટર્ન બુકિંગ ન મળતા ગોધરા સાંસદની ભલામણથી તે વ્યવસ્થા પણ થઈ ગઈ હતી.

પોલીસ અને સાસંદની મદદથી મહિલાની પરત લવાઈ
મહિલા પેશન્ટ ગુજરાતના ગોધરાના હોવાનું જાણ થતાં પવલોવ મેન્ટલ હોસ્પિટલના ડૉક્ટર્સે પંચમહાલ પોલીસનો સંપર્ક કર્યો હતો. જેમાં મહિલા ગોધરા તાલુકાના ભમૈયા પૂર્વ ગામની હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ભમૈયા પહોંચી ગામના સરપંચનો સંપર્ક કર્યો હતો અને ગીતાબેન અંગે જાણકારી આપતા ગુમ થયેલાં ગીતાબેનનાં ત્રણે સંતાનો અને સંબંધીઓને પણ આ ખુશીના સમાચાર આપ્યા હતા, બાદમાં વીડિયો કોલ મારફતે ગીતાબેન સાથે તેમનાં ત્રણ સંતાનો અને બહેન-બનેવીએ વાતચીત કરતા તે ગીતાબેન જ હોવાની પાકી ખાતરી થઈ હતી.