ગોધરા નગરપાલિકા નવા રસ્તા બનાવવા મૂર્હતની રાહ જુએ છે…?

  • છેલ્લા કેટલાક દિવસોથી ઉબડખાબડ માર્ગોને લઈને નગરજનો પરેશાન.
  • ખાડા ખાબોચીયાને કારણે અને વાહન ચાલકો તેમજ રાહદારીઓ પાણીમાં ગરકાવ.
  • સરકાર દ્વારા ગ્રાંટ ફાળવવા છતાં માનીતા કોન્ટ્રાકટરની રાહ જોતી પાલિકા.

ગોધરા,
પંંચમહાલ જીલ્લામાં વરસાદે વિરામ લેતા સ્ટેટ આર એન્ડ બી વિભાગ દ્વારા ગોધરા શહેરને જોડતા સ્ટેટ હાઈવે માર્ગ ઉપર પડેલ ખાડાઓને લઈ કામગીરી હાથ ધરી છે. અને સ્ટેેટ હાઈવે માર્ગનું કાર્પટીંગ હાથ ધરવામાં આવ્યું છે. જ્યારે બીજી તરફ ગોધરા નગરપાલિકા હદ વિસ્તારના રોડ ઉપર પડેલ ખાડાઓ માટે પાલિકા સત્તાધિશો નિંદ્રાધીન અવસ્થામાં જોવા મળી રહ્યા છે.

ગોધરા શહેરમાં ચોમાસાની સીઝનમાં વરસાદને લઈને માર્ગો ઉપર મોટામસ ખાડાઓ પડી જતાં વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા હતા. ગોધરા શહેરમાં વરસાદે વિરામ લેતાંની સાથે પંચમહાલ જીલ્લા સ્ટેટ હાઈવે માર્ગોનું કાર્પેટીંગ હાથ ધરવામાં આવ્યું છે. ગોધરા શહેરને જોડતા ચર્ચ સર્કલ થી તૃપ્તી હોટલ સુધીના સ્ટેટ હાઈવે તેમજ ભુરાવાવ ચોકડી થી લુણાવાડા બાયપાસ હાઈવે સુધીના સ્ટેટ હાઈવેનું કાર્પેટીંગ હાથ ધરવામાં આવ્યું. પંંચમહાલ જીલ્લા સ્ટેટ હાઈવે દ્વારા ચોમાસામાં ધોવાઈ ગયેલ માર્ગો ઉપર ૨૫ મીમીનું કાર્પેટીંગ કરવામાં આવ્યું છે. જેને લઈ વાહન ચાલકો એ રાહત અનુભવી રહ્યા છે.

ત્યારે બીજી તરફ સ્ટેટ આર એન્ડ બી દ્વારા જે સ્ટેટ હાઈવે માર્ગોનું કાર્પેટીંગ કરવામાં આવ્યું છે. તેને જોડતા ગોધરા નગરપાલિકાના માર્ગોની હાલત ખખડધજ જોવા મળી રહી છે.ગોધરા નગરપાલિકા તંત્ર શહેરના આંતરિક અને મુખ્ય માર્ગો ની મરામત કામગીરી કરવા માટે મૂર્હતની રાહ જોઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. જીલ્લા સ્ટેટ આર એન્ડ બી વિભાગ દ્વારા ચોમાસાના વરસાદના વિરામ સાથે સ્ટેટ હાઈવે માર્ગનું કાર્પેટીંગ કરીને લોકોને પડતી મુશ્કેલી દુર કરવાનો તેમજ લોકોમાં ખખડધજ માર્ગો ઉપર પડતી મુશ્કેલીઓને લઈ તંત્ર સામે ઠલવાતા રોષને ખાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પરંતુ ગોધરા નગરપાલિકા સત્તાધીશોને શહેરના ખખડધજ માર્ગો ઉપર પડેલ ખાડાઓને લઈ વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે. તેમ છતાં પાલિકા સત્તાધીશોને નગરજનોને પડતી મુશ્કેલીઓ માટે પરવાહ નથી. પાલિકાના ચુંટાયેલા સત્તાધીશો માત્ર ગોધરા શહેરના નગરજનોની ચિંતા નથી. પાલિકા સંત્તાધીશો જો શહેરના ખખડધજ માર્ગોથી છુટકારો ન આપવી શકતા હોય ત્યારે આવનાર દિવસોમાં પાલિકાની ચૂંટણીમાં આવા સત્તા લાલચું નગરજનોની સુવિધાનો ખ્યાલ ન રાખતા હોય તેવા નગર સેવકોને રોડ રસ્તા અને સાફ-સફાઈ જેવા મુદ્દાઓ ઉપર નગરજનો સત્તા વિહોણા બનાવશે તેવું હાલમાં નગરજનોને પડતી મુશ્કેલીઓ ઉપરથી લાગી રહ્યું છે.