ગોધરા પાલિકામાં નોંધણી વિભાગમાં વર્ષ 1935થી 2005 સુધીના જન્મ, મરણ નોંધણી રજિસ્ટરોમાંથી કેટલાક રજિસ્ટર જર્જરિત થઇ જતાં અરજદારોને દાખલા મળતા નથી. મામલતદાર કચેરીમાં અરજી કરતાં મામલતદાર પુનર્ગઠન કરવા પરત પાલિકામાં મોકલતાં અરજદારો અટવાયા છે.
ગોધરા નગર પાલિકામાં હાલ રોજની જન્મની 100, મરણની 250 તથા લગ્નની 60 જેટલી નોંધણી રજિસ્ટરમાં કરવામાં આવે છે. પાલિકામાં જન્મ મરણની નોંધણી કરવા અલગથી વિભાગ બનાવવામાં આવ્યો છે. પાલિકામાં વર્ષોથી નોંધણી કરવા રજિસ્ટર નિભાવાય છે. ત્યારે પાલિકાની જન્મ મરણ નોધંણી વિભાગમાં જાળવણીના અભાવે વર્ષ 1935થી 2005 સુધીનો જન્મ મરણ નોંધણીનો મોટાભાગનો રેકોર્ડ જર્જરિત થઇ ગયો છે.નોંધણી શાખામાં જૂના રજિસ્ટરની તપાસ કરતાં કાગળ બોગસ હોવાથી નોંધણી રજિસ્ટર જર્જરિત થઇ ગયા છે. અમુક વર્ષોના રજિસ્ટર જર્જરિત થઇ જતાં અરજદારોને જૂના જન્મ કે મરણના દાખલા મળી શકતા નથી.
ત્યારે સરકારની જોગવાઈ મુજબ જ્યારે નગરપાલિકામાંથી આ પ્રકારનો કોઇપણ દસ્તાવેજ ઉપલબ્ધ ન હોય ત્યારે અરજદારે પોતાના વિસ્તારના મામલતદાર કચેરીમાં જન્મ અથવા તો મરણનો દાખલો મેળવવા માટે અરજી કરવાની હોય છે. હાલમાં ગોધરા શહેરમાં વર્ષ 1935 થી 2005 દરમિયાનના જન્મ અને મરણના દાખલા નગરપાલિકામાંથી ન મળતાં અરજદારો દ્વારા મામલતદાર કચેરીમાં અરજી કરવામાં તો આવી રહી છે પરંતુ મામલતદાર કચેરી દ્વારા આ અરજીઓને પુનર્ગઠન માટે ફરીથી ગોધરા નગરપાલિકાને જ મોકલાઇ રહી છે.
ત્યારે ગોધરા નગરપાલિકા પાસે આ સમયગાળા દરમિયાનનો જન્મ મરણ નોંધણીનો મોટાભાગનો રેકર્ડ જ ઉપલબ્ધ ન હોઇ આ અરજદારોને જન્મ કે મરણની નોંધણીનો દાખલો મળી રહ્યો નથી. જેને લઈને અરજદારો ભારે મુશ્કેલીમાં મૂકાયા છે. ત્યારે આ સમગ્ર મામલે સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરાય અથવા તો વૈકલ્પિક વ્યવસ્થા કરાય જેથી કરીને અરજદારોને વર્ષ 1935થી 2005ના સમયગાળા દરમિયાનના જન્મ મરણના દાખલા સહેલાઇથી મળી રહે.
હિજરત કરી ગયેલી વ્યક્તિઓની બોગસ અરજીઓ આવે છે અગાઉ પાકિસ્તાન હિજરત થયેલ વ્યક્તિના બોગસ મરણના દાખલાથી જમીન દસ્તાવેજ કરી દેવાનો મામલો બહાર આવ્યો હતો. પાલિકામાં વષો જૂના જન્મ કે મરણના દાખલા માટે પાકિસ્તાન હિજરત ગયેલ વ્યક્તિઓ ગોધરામાં જ રહેતી હતી તેવી બોગસ અરજીઓ ખોટું કરવાના આશયથી કરાતી હોવાનું જાણવા મળી રહ્યુ છે. મામલતદાર પુનર્ગઠન કરવા પાલિકામાં મોકલી આપે છે. તેઓના લીધે સાચા અરજદારો ભોગ બની રહ્યા છે. ત્યારે સાચા અરજદારો જાય તો ક્યાં જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
મોટાભાગના નોંધણીના રજિસ્ટર જર્જરિત થયા પાલિકાની જન્મ મરણ નોંધણી શાખામાં મોટાભાગના નોંધણીના રજિસ્ટર જર્જરિત થઇ ગયા છે. સાચા અરજદારો મામલતદારમાં અરજી કરે તો પુનર્ગઠન માટે પરત પાલિકામાં મોકલી આપે છે. પ્રાંત અધિકારી સાથે આ બાબતે મીટિંગ કરી હતી. પરંતુ અમારી પાસે પુરાવા ન હોવાથી અરજદારને દાખલા આપી શકતા નથી. – આર.એચ.પટેલ, ચીફ ઓફિસર