ગોધરા પાલિકાના સફાઈ કામદારોની છેલ્લા ત્રણ દિવસની હડતાળના પગલે બે માસના પગારની ખાત્રી સાથે હડતાળ સમેટાઈ

ગોધરા,
ગોધરા નગર પાલિકાના સફાઈ કામદારોની પડતર માંંગણીઓને લઈ છેલ્લા ત્રણ દિવસ થી હડતાળ ઉપર હતા. જેનો આજરોજ નગર પાલિકા સત્તાધિશો અને સફાઈ કામદારો વચ્ચે વાટોધાટો કરીને બે મહિનાના વેતનની ખાત્રી આપી હડતાળનો અંંત લાવવામાંં આવ્યો.

ગોધરા નગર પાલિકાના સફાઈ કામદારો તેમજ નિવૃત સફાઈ કામદારોના પગાર અને પેન્શનની રકમ ત્રણ મહિનાથી ચુકવવામાંં ન આવતાં તેમજ પાલિકાના 70 કાયમી સફાઈ કામદારોની પુરા વેતનની માંગણીઓ, 36 સાફઈ કામદારોના પગાર માંંથી કપાત થતાં પી.એફ.ની રકમ અંગેની કોઈ ખુલાસો કરવામાં આવે તેથી પડતર માંગણીનું નિરાકરણ નહી લાવવામાં આવતા છેલ્લા ત્રણ દિવસ થી પાલિકાના સફાઈ કામદારો હડતાળ ઉપર ઉતરી ગયા હતા. સફાઈ કામદારોની હડતાળને લઈ શહેરના મુખ્યમાર્ગ અને શેરી મહોલ્લા, સોસાયટીઓમાં ગંદકીના ઢગ જોવા મળ્યા હતા. સફાઈ કર્મચારીઓની હડતાળના કારણે નગરજનો પરેશાન થઈ રહ્યા હતા. આખરે આજરોજ ગોધરા પાલિકાના સત્તાધીશો અને વહીવટકર્તાઓ દ્વારા સફાઈ કામદારોને બે મહિનાનું વેતન એક સાથે આપવાની ખાત્રી આપવામાં આવતાં હડતાળ પાછી ખેંચવામાં આવી છે. સફાઈ કામદારોના પી.એફ.ના મુદ્દે કે.વાય.સી.ની કાર્યવાહી પ્રાદેશિક કચેરી ખાતેથી કરવા થાય છે. તેવી ગોળ ગોળ વાતો કરીને કોઈ યોગ્ય ઉત્તર કરવામાં આવ્યો ન હતો. 36 સફાઈ કામદારોની ભરતી બાબતે પાલિકા દ્વારા આ મુદ્દો કોર્ટમાં હોય તેના નિકાલ આવે ત્યારબાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.