ગોધરા નગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી શરૂ કરી

ગોધરા, ગોધરા શહેરમાં વરસાદી પાણી નિકાલ માર્ગોની સફાઈ ચોમાસા પૂર્વે નહીં થતાં શહેરીજનો ચિંતિત બન્યા હતા. બીજી તરફ આર્થિક સંકડામણ માંથી પસાર થઈ રહેલી ગોધરા નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી શરૂ કરવામાં વિલંબ થતાં શહેરીજનોની જરૂરિયાત અને માંગણીને લઈ ગોધરા નગરપાલિકાએ પ્રિમોન્સૂન કામગીરીની શરૂઆત કરતાં જ શહેરીજનોમાં આનંદ છવાયો છે અને ચોમાસા દરમિયાન વરસાદી પાણીનું યોગ્ય નિકાલ થવાની આશાઓ બંધાય છે.

ગોધરા શહેરમાં આવેલા તમામ વિસ્તારોમાંથી ચોમાસા દરમિયાન એકત્રિત થતું વરસાદી પાણી નિકાલ કરવા માટે ગટર વ્યવસ્થા બનાવવામાં આવી છે. આ ઉપરાંત કેટલાક કોતર મારફતે આ પાણીનો નિકાલ થતો હોય છે. વરસાદી પાણીના નિકાલ માર્ગમાં ચોમાસા સિવાયના અન્ય ઋતુમાં કચરો અને માટીનો ભરાવો થઈ જતાં નિકાલ માર્ગો બંધ થઈ જતા હોય છે. જેથી નગરપાલિકા દ્વારા દર વર્ષે કામગીરીના ભાગરૂપે ટેન્ડર બહાર પાડવામાં આવે છે. જેનાબાદ વરસાદી પાણીના નિકાલ માર્ગોની યોગ્ય સફાઈ કરવામાં આવતી હોય છે. પરંતુ આ વર્ષે ચોમાસાને આડે ગણતરીના દિવસો બાકી હોવા છતાં કામગીરી શરૂ થવામાં વિલંબ થયો હતો. સાથે જ બોર્ડ મિટિંગમાં ટેન્ડર માટેની દરખાસ્ત મંજૂર કરાઈ હતી પરંતુ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી નહોતી. જેથી આર્થિક સંકડામણ ભોગવતી નગરપાલિકા દ્વારા કામગીરી સમયસર કરવામાં આવશે કે કેમ જે અંગે શહેરીજનો ચિંતિત બન્યા હતા.ત્યારે નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે ટેન્ડરિંગ પ્રક્રિયા કરી વિવિધ વિસ્તારોમાં પ્રિ મોન્સૂન કામગીરી શરૂ કરી દેવામાં આવતાં નગરજનો હાશકારો અનુભવી રહ્યા છે.