ગોધરા નગરપાલિકાના વોર્ડ નં 3ની પેટાચૂંટણી માટે મહિલા ઉમેદવાર દ્વારા પોતાનું ઉમેદવારીપત્ર ભરવામાં આવ્યું હતું. ગોધરા પ્રાંત અધિકારીની કચેરી ખાતે ભાજપ, કોગ્રેસ અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો મોટી સંખ્યામાં કાર્યકરોની ઉપસ્થિતિમાં ફોર્મ ભરવા માટે પ્રાંત અધિકારી કચેરી ખાતે આવી પહોંચ્યા હતા.
ગુજરાત રાજ્ય ચુંટણી પંચ દ્વારા વિવિધ મહાનગરપાલિકાઓ અને નગરપાલીકાની ખાલી પડેલી બેઠકો માટે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ગોધરા નગરપાલિકાના વોર્ડ નં 3ની ખાલી પડેલી બેઠક માટે પણ પેટાચૂંટણીની જાહેરાત થઈ હતી. ત્યારે પ્રદેશ ભાજપ, કોગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારને મેન્ડેટની ફાળવણી કરવામાં આવી હતી. ત્યારે ગોધરા નગરપાલિકા વોર્ડ નં 3ની ખાલી પડેલી મહિલા સામાન્ય બેઠક માટે ભાજપમાંથી નીલિમાબેન શાહ, કોગ્રેસમાંથી ધ્વનિ ઉમેશકુમાર શાહ અને આમ આદમી પાર્ટીમાંથી રમીલાબેન ગજ્જરની જાહેરાત કરાઈ હતી.
આજે ત્રણેય પાર્ટીના મહિલા ઉમેદવાર દ્વારા ગોધરા નગરપાલિકાના ચૂંટણી અધિકારી અને ગોધરા પ્રાંત અધિકારીની કચેરી ખાતે ઢોલ નગારા સાથે રેલી સ્વરૂપે પહોંચીને પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપ, કોગ્રેસ અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. ઉમેદવારીપત્ર ભર્યા બાદ ઉમેદવાર દ્વારા પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ત્રણેય પક્ષના ઉમેદવારોએ પોતાની જીતનો દાવો કરી વિકાસના કામો તેમજ સ્થાનિકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટેની તૈયારીઓ દર્શાવી હતી.