ગોધરા નગર પાલિકા વોર્ડનો ગ્રાઉન્ડ રિપોર્ટ : વોર્ડ નં.૨ ખાનગી પ્લોટ થી પાણી અને રસ્તા વિના વર્ષોથી અલગ રચાયેલા પૂર્વ-પશ્ર્ચિમ છેડા

  • આંતરિક રસ્તા અને પીવાના પાણીની મુખ્ય સમસ્યા.
  • જાફરાબાદ રેલ ફાટકને અંડર ગ્રાઉન્ડ બ્રિજ બનાવાય તો ટ્રાફિક સમસ્યાનો અંત આવે.
  • રેલ ફાટક પાસેના જાહેર રસ્તાને ખાનગી બિલ્ડર્સે બંધ કરી દેતા વિદ્યાર્થીઓ સહિત રહીશોને મુશ્કેલી.
  • નાલંદા સ્કુલ થી પૂર્વ વિસ્તારમાં આંતરિક પાકા રસ્તા અને પાણી માંગતી મહિલાઓ.
  • નાલંદા સ્કુલના પૂર્વ વિસ્તારની ૨૫ ઉપરાંત સોસાયટીમાં પીવાના પાણીની પાઈપ લાઈન આજદિન સુધી નહીં બિછાવતા મુખ્ય તકલીફ પડી રહી છે.
  • ખાનગી પ્લોટના કારણે જાહેર રસ્તો નહીં બનતા લોકોને અવરજવર માટે રસ્તો ખુલ્લો કરવાની માંગ છે.
  • વિવિધ સોસાયટીના આંતરિક માર્ગો બનાવામા ઉદાસીનતાથી ઉબડખાબડ રસ્તાઓ.
  • અટલનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના વિના ઘરો કાચા.
  • સાંપા રોડની તુલસીધામ અને આસોપાલવ સોસાયટીમાં બેનર : પ્રશ્ર્નોના મુદ્દે સભ્યોને પ્રવેશ બંધના બેનરો.

ગોધરા,માત્ર અને માત્ર પ્રજા માટે અને વિકાસ માટે લોકપ્રશ્ર્નોને જાણવાનો વિનમ પ્રયાસ સાથે બિનરાજકીય નિષ્પક્ષપણે રજૂ કરતી શ્રેણીના ભાગરૂપ ગોધરા પાલિકાના વોર્ડ નં.૨ ની મુલાકાત લેતા લોકોએ પોતાની લાગણી વ્યકત કરી હતી. ભુરાવાવ, રેલ બ્રીજ થી છેક એસ.આર.પી., બગીચા અને જાફરાબાદ રેલ ફાટક થી નાલંદા, અંકુર સ્કુલના આંતરિક વિસ્તાર સાથે રેલબ્રિજ સુધીના આવતા મત વિસ્તારમાં વેપારીઓ સાથે શિક્ષિતવર્ગના આશરે ૧૧૩૩૫ મતદારો છે. નાલંદા સ્કુલ પાસેી પૂર્વ અને પશ્ર્ચિમ એમ બે ભાગૌલિક વિસ્તાર પડે છે. ભૂતકાળમાં ભાજપા શાસનમાં સભ્યો દ્વારા રસ્તાઓ સાથે અન્ય વિકાસન કામો હાથ ધરાયેલા છે. તેમ છતાં હજૂય કેટલોક વિકાસ લોકો ઝંખે છે. અહીં વૈભવનગર, પાર્વતી નગર, વિનાયક નગર, પદ્દમાવતી નગર, ગોર્વધન નગર, હરીકૃપાૃ શિવમ્ પાર્ક, સોમનાથ નગર, આનંદ નગર, વલ્લભન નગર, ધરણી ઘર, વ્રજધામ, ચક્રધારી સોસાયટી, મધુવન , અટલ નગર, વાગડીયાવાસ, તુલસીધામ, સતકૈવલ મંદિર સહિતના વિસ્તારોનો સમાવેશ પામે છે.

જાફરાબાદ રેલ ફાટક મારફતે આસપાસની અનેક સોસાયટીના રહીશો, વિદ્યાર્થીઓ દિવસ-રાત પસાર થાય છે. સમયાંતરે અનેક ટ્રેન પસાર થતી હોવાથી છાશવારે ફાટક બંધ રહે છે. ફાટક બંધ રહેવાના કારણે કલાકો સુધી બંને તરફ ટ્રાફિક જામતા દ્રશ્યો સર્જાતા લોકોનો સમય વેડફાય છે. આથી શહેરા ભાગોળની જેમ ભૂર્ગભ બ્રિજ બનાવાયતો શાળાએ જતા વિદ્યાર્થીઓ, સ્થાનિક રહીશો તથા આસપાસના ગોવિંદી, કાંસુડી, સાંપા, કંકુથાંભલા સહિત ૧૫ ઉપરાંત ગામોના લોકોને લાભ થાય તેમ છે. તેવી રીતે ફાટકની પાસે કંપાઉન્ડ વોલની અડોઅડ ખુલ્લી જાહેર રસ્તો છેક ભુરાવાવ બ્રિજ પાસે નીકળે છે. પરંતુ ખાનગી બિલ્ડર દ્વારા આ ફાટક પાસે રસ્તો બંધ કરીને બાંધકામ કરેલ હોવાના દબાણ સંદર્ભે તંત્રએ દબાણકર્તાને નોટીસ આપવા છતા હજૂ સુધી કોઈ નિકાલ નહીં થતા આસપાસના વ્રજધામ, સુભાષપાર્ક, રિધ્ધિ-સિધ્ધિ, ચક્રધારી, મનોરથ, દર્શન સોસાયટી ઉપરાંતના લોકોને ફાટક પાસે જવામાં છેક નાલંદા સ્કુલ પાસેથી નીકળવું પડતા તકલીફ વેઠે છે. ખાસ કરીને આ નાલંદા સ્કુલ થી પૂર્વ વિસ્તારમાં રેલ ફાટક અને કંપાઉન્ડ દિવાલ પાસેના રસ્તાના પ્રશ્ર્ન ઉપરાંત પીવાના પાણીના નળ કનેકશન અને આંતરિક રસ્તાનો પ્રશ્ર્ન સળગતો છે.અહીં નીતનવી આકાર પાકેલી વિવિધ સોસાયટીમા મોટી સંખ્યામાં રહીશો રહે છે અને પાલિકાના વેરા પણ નિયમિત ભરાય છે પરંતુ પીવના પાણી જેવી પ્રાથમિક સુવિધા પુરી નહીં પડાતા લોકો બારેમાસ તરસ્યા મરી રહ્યા છે.

વર્ષોથી રહેતા રહીશોને આંગણા સુધી નળ સુધી ઊભી કરી શકાઈ નથી. નાલંદા સ્કુલ વિસ્તારની નાલંદા ૧-૨-૩, મેશરી પાર્ક, દત્તાત્રેય પાર્ક, શકિત પાર્ક,આશાપુરી, સુભદ્રા, વ્રજધામ, સંસ્કાર નગરી, સરયુવિલા, સુભાષ પાર્ક, ધરણીધર, ચક્રધારી, મનોરથ ટવીન્સ, દર્શન સોસાયટીમા નર્મદા કેનાલ આધારિત પાઈપ લાઈન પણ આ વિસ્તાર સુધી પહોંચી નથી. સમગ્ર નગરજનો નર્મદાના પાણી પીવે છે. તો અહીં તરસ્યા રહેવા પાછળ સરકારી જાહેર માર્ગ ન હોવાથી અને શકિત પાર્ક પાસે ખુલ્લો ખાનગી પ્લોટ હોવાથી આગળ લાઈન ખેંચી શકાઈ નથી. જેનાથી આશરે ૪૦૦૦ થી વધુ વસ્તીને પોતાના ખાનગી બોરનો સહારો લેવો પડતા ક્ષારયુકત પાણી અને વિજળી બીલથી કંટાળી ગયા છે. તેવી રીતે આ વિસ્તારમાં જાહેર માર્ગ જ નથી બોલો ? પૂર્વ અને પશ્ર્ચિમી વિસ્તારને જોડતા માર્ગની વચોવત શકિત પાર્કના પાછળે ખાનગી માલિકીનો પ્લોટના કારણે બંને બાજુમાં ૧૦ વર્ષથી આર.સી.સી. રોડ બની જવા છતાં ખાનગી પ્લોટના કારણે અવરજવર બંધરહેતા રોજીંદા બસ સ્ટેન્ડ તરફ કે બજારમાં લોકો જઈ શકતા નથી એટલું જ નથી. શાળાઓમાં અભ્યાસ કરતા ૨૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને આવન-જાવનમાં મુશ્કેલી પડતી હોવા અંગે નાલંદા શાળાએ કલેકટરને મુખ્ય રસ્તા માટે કાર્યવાહીની માંગ કરી છે. વધુમાં રહીશોની કલેકટરને અપાયેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે,

જીલ્લા સ્વાગતની ફરિયાદ સંદર્ભે તત્કાલીન કલેકટર મિલીન્દ તોરવણે એ સ્થળ મુલાકાત લઈ મુખ્ય રસ્તા માટે અડચણ‚પ ખાનગી પ્લોટના નિકાલ માટે સૂચના આપી હતી પરંતુ નગર પાલિકા એ કોઈ કાર્યવાહી નહીં કરાતા ૨૦ થી ૨૫ સોસાયટીના રહીશો મુખ્ય રસ્તા વિના ત્રાહિમામ પોકારી ઉઠયા છે. એટલું જ નહી આ વિસ્તારમાં આવેલી ૨૦ થી ૨૫ સોસાયટીમા આંતરિક રસ્તાો બન્યા જ નથી. લોકો માંગ્યા મુજબના વેરા ભરે છે. પરંતુ રસ્તાઓની સુવિધા પુરી પાડવામાં સત્તાધીશો દર વર્ષે ઉદાસીન બને છે. ઉબડખાબડ માર્ગને લઈને લોકોને મુશ્કેલી સાથે પસાર થવું પડે છે. પાકો રસ્તો ન હોવાથી ચોમાસામાં કાદવ-કીચડનું સામ્રાજ્ય સર્જાતા લોકોને ભારે કાદવ વિપદા પડી રહી છે. તેવી રીતે સાં૫ા રોડની શકિતનગર, સર્વોદય, વૈભવનગર, તુલસીધામ, અંબિકાનગર, સત્તકૈવલ મંદિર આસપાસની સોસાયટીમાં તથા વૈભવ સોસાયટી સહિતની આંતરિક પાકા રસ્તા વિના ચોમાસામાં ગંદકી-કાદવ રહે છે. છપૈયા ધામ, સંગમ સોસાયટી પાછળ તો રસ્તા અને પીવાના પાણીની સમસ્યા છે. તેવી રીતે વલ્લભનગર, ચક્રધારી, વ્રજધામ, ધરણીઘર, મધુવન, અંકુર સ્કુલની પાછના વિસ્તારની અનેક સોસાયટીમાં લાંબા સમય થી પાણીની પાઈપ લાઈન જ નથી. અન્ય વોર્ડમાં બાલ બગીચા બનાવાયા છે. તો અહીં બાળકોને રમવા માટે બગીચા નહીં બનાવીને અન્યાય કરાયો છે. જ્યારે સૌથી દયનિય સ્થિતી અટલનગરની છે. તળાવની આસપાસ ૭૦ ઉપરાંત ઘરો આવેલા છે અને મોટાભાગના લોકો શ્રમવર્ગી છે. તેઓ વેરા ભરવા છતાં રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઈટ, આવાસ, સાફ-સફાઈ જેવી સુવિધા પાલિકા આપતી ન હોઈ દયનીય હાલત ગુજારે છે. શહેરી આવાસ યોજના હેઠળ કાચા મકાન ધારકોને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ અપાય છે. કોઈ પરિવાર ઘર વિહોણા ન રહે તેવી ગૂલબાંગો પોકારાય છે. પરંતુ આ શું યોજના છે. તેનાથી કોઈ માહિતીગાર નથી કે પાલિકા એ સર્વે પણ હાથ નહી ધરતા લોકો અગવડતામાં રહે છે. હેન્ડપંપ સિવાય પાણીની કોઈ નળ સુવિધા નથી. ચોમાસામાં તળાવની પાળ ઉપર કાદવ કિચડ ભર્યા કાચા રસ્તામાંથી પસાર થવું પડે છે.

ચોમાસામાં અટલ તળાવ ભરાઈ જતા છલોછલ બનતા ઘરોમાં પાણી ધૂસી દિવાલો તથા ઘરવખરીને નુકશાન પહોંચાડે છે. કારણ કે, પાસેની સોસાયટીમાં પાણીના નિકાલ માટે બનાવેલ નાળાને ચણતરથી બંધ કરી દઈને અન્યાય કર્યો છે. હવે ભવિષ્યમાં ચારેબાજુ આવેલી સોસાયટીઓ દ્વારા કંપાઉન્ડ વોલ બનાવી દે તો આ ૭૫ ધરના લોકોને અવરજવરનો કોઈ રસ્તો મળે તેમ નથી. તેની ચિંતા સતાવી રહી છે.

પ્રવેશ ઉપર પ્રતિંબધના બેનર લાગ્યા….જયારે પાંચ વર્ષથી ગાયબ રહેલા સભ્યો એ આજદિન સુધી પાણીના નિકાલ અંગેના પ્રશ્ર્ન તેમજ રોડના પ્રશ્ર્નનું નિવારણ ન કરતા મત માંગવા તુલસીધામ અને આસોપાલવ સોસાયટીમાં આવવું નહી આમ છતાં સોસાયટીમાં પ્રવેશ કરશો અને કોઈ ધટના બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી આપની પોતાની રહેશે તે અર્થની સાંપા રોડ ઉપર આવેલી તુલસીધામ અને આસોપાલવ સોસાયટીએ પ્રવેશદ્વાર ઉપર પ્રવેશ ઉપર પ્રતિબંધ જેવા બેનર લગાવીને રોષ વ્યકત કર્યો છે.ભુરાવાવની એફ.સી.આઈ. થી છેક ગોવિંદી સુધીના રોડ તેમજ આવેલી વિવિધ સોસાયટીના આંતરિક વિસ્તારોમાં પાલિકા દ્વારા સ્ટ્રીટ લાઈટની સુવિધા નહીં અપાતા રોજ અંધારમય સમયે લોકોને અગવડતા પડવાની સાથે રાત્રિએ મોટી ચોરી-લૂંટફાટ અને અકસ્માતની ચિંતા સતાવી રહી છે.

મતદારોના સમીરણ
કુલ મતદારો- ૧૧૩૩૫.
પુ‚ષ-૫૮૦૬, સ્ત્રી-૫૫૨૮, ત્રીજી જાતિ-૦૧.

આ વોર્ડમાં મોટાભાગના શિક્ષિત મતદારોનું પ્રભુત્વ ધરાવે છે અને શિક્ષિત મતદાર નિર્ણાયક રહેશે.

ભાજપ

  • કશ્યપ મુરલીધર મુલચંદાણી
  • ધ્રુવકુમાર રાજેન્દ્રસિંહ સોલંંકી
  • વર્ષાબેન નિલેશભાઈ ઠાકર
  • સવિતાબેન ચંદુભાઈ ભુજ

બહુજન સમાજ પાર્ટી

  • કનુભાઈ વિલિયમભાઈ ગાંધી
  • જ્યોત્સનાબેન કનુભાઈ ગાંધી

કોંગ્રેસ

  • કેતુલકુમાર પરષોત્તમદાસ પ્રજાપતિ
  • હસમુખભાઈ દેવાભાઈ પરમાર
  • નિરૂબેન વિજેન્દ્રસિંહ પુવાર
  • પિનલબેન રોશનકુમાર ભેદી

અપક્ષ

  • અંજનાબેન પ્રકાશભાઈ લુહાણા
  • ક્રિષ્ણાબેન નારાયણભાઈ ડીંડોર
  • ગૌરવભાઈ જયપ્રકાશ ભાટીયા
  • ર્ડા. ધર્મેશ મંગળભાઈ પટેલ
  • નરેશકુમાર પિતાંબરદાસ રામનાની (નરીભાઈ ટાયગર)
  • પ્રકાશ કુંદનલાલ લુહાણા
  • પ્રાંજલબેન સંકેતકુમાર પંડયા
  • મુકેશકુમાર મધુસુદન જયસ્વાલ
  • રેખાબેન પ્રકાશભાઈ ડામોર
  • શીતલબેન હરેશકુમાર રાસધારી.