ગોધરા પાલિકા દ્વારા ચીફ ઓફિસર દ્વારા વાવડી બુર્ઝગ, ચિખોદ્રા અને ભામૈયા(પ)નો ચાર્જ પાલિકા હસ્તક લીધો.

ગોધરા,
ગોધરા તાલુકાના વાવડી બુર્ઝગ, ચિખોદ્રા અને ભામૈયા (પ) ગ્રામ પંચાયત ગોધરા નગર પાલિકામાં સમાવવાના 2015ના નોટીફિકેશન બાદ સરકારના જાહેરનામા વિરૂદ્ધમાં ગ્રામ પંચાયતો દ્વારા હાઈકોર્ટમાં અપીલ કરાઈ હતી. તે અપીલ અરજી ફગાવી દેતાં પાલિકા તંત્ર દ્વારા વાવડી બુર્ઝગ, ચિખોદ્રા અને ભામૈયા(પ)ના ચાર્જ પાલિકાએ પોતાના હસ્તક લીધો છે.

ગોધરા તાલુકાના વાવડી બુર્ઝગ, ચિખોદ્રા અને ભામૈયા પશ્ર્ચિમ ગ્રામ પંચાયતોને ગોધરા પાલિકામાં સમાવવા માટે 2015માં જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જેના વિરોધમાં વાવડી બુર્ઝગ, ચિખોદ્રા અને ભામૈયા પશ્ર્ચિમ પંચાયતો દ્વારા નગર પાલિકામાં સમાવિષ્ટ ન કરવા હાઈકોર્ટમાં 2016માં અપીલ અરજી દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટમાં લાંબી સુનાવણી બાદ ગ્રામ પંચાયતોની અપીલ અરજી ફગાવી સરકારના જાહેરનામાને કાયમ રાખવાનો ચુકાદો આવતાં સાથે પાલિકા દ્વારા વાવડી બુર્ઝગ, ચિખોદ્રા અને ભામૈયા(પ) નો ચાર્જ મેળવવા કાર્યવાહી હાથ ધરાઈ હતી. પાલિકા ચીફ ઓફિસર દ્વારા આજરોજ વાવડી બુર્ઝગ, ચિખોદ્રા અને ભામૈયા(પ)ની ગ્રામ પંચાયતનો ચાર્જ પાલિકા હસ્તક લેવામાં આવ્યો છે.