ગોધરા નગર પાલિકાની ૧૧ વોર્ડની ૪૪ બેઠકો માટે ૧૮૭ ઉમેદવારો વચ્ચે જામેલા જંગનો રવિવારના રોજ ખરાખરીનો જંગ જામ્યો હતો. પરંતુ વોર્ડ નં.૬માં મતદાનને લઈને ટેકેદારો વચ્ચે મારામારીની ધટના થતાં ઈજા પામેલ એક ઈજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. વળી, આ સ્થળે કલેકટર અને ડીએસપીની ટીમ દોડી આવીને શાંંતિનો માહોલ જાળવવાનો પ્રયાસ કર્યો હતો. વોર્ડ નં.૯, ૫,૧૧વોર્ડમાં બે ઉમેદવારોના જુથો વચ્ચે આંતરીક બોલાચાલી થયાના અહેવાલ વચ્ચે એકંદરે શાંતિપૂર્ણ મતદાન થઈને કુલ ૬૨.૯૮ ટકા નોંધાયું હતું. આ સાથે ઉમેદવારો અને ટેકેદારો દ્વારા અત્યારથી જ જુદા જુદા ગણિત માંડીને હારજીતના દાવા કરી રહ્યા હતા.
ગોધરા નગર પાલિકાની અગામી પાંચ વર્ષની મુદ્દત માટે ૧૧ વોર્ડની ૪૪ બેઠકો માટે ચુંટણી જાહેર થવાની સાથે ૪૪ બેઠકો માટે ૧૮૭ ઉમેદવારોએ ચુંટણી મેદાનમાં ઝંપ લાવ્યું હતું. અને ૧૧૨૮૯૮ કુલ મતદારો નોંધાયેલા હતા. જ્યારે સૌથી વધુ ૧૨૫ અપક્ષ ઉમેદવારોના રાફડા વચ્ચે ૨૪ ભાજપના, ૨૦ કોંગ્રેસના, બસપાના ૦૩ સાથે પહેલીવાર આપના ૦૭ અને અઈંખઈંખના ૦૮ ઉમેદવારોને એન્ટ્રી મારી હતી.જેમ જેમ ચુંટણી નજીક આવતી જતા તેમ તેમ પ્રચારપ્રસારનો માહોલ આગળ તેજ બનતો જતો હતો. અને પ્રચારના અંતિમ દિવસે ઉમેદવારો દ્વારા શામ-દામ-દંડ-ભેદ જેવી નીતિ અપનાવીને મતદારોને રીઝવવા માટેના પ્રયાસો કર્યા હતા. શનિવારે કતલની રાત હોવાથી ઉમેદવારો દ્વારા ખાટલા બેઠકોના દોર વચ્ચે પરિણામને પલટાવી દેવાના પ્રયાસો અજમાવીને રાજકીય સોગઠા ગોઠવ્યા હતા. ઉમેદવારો અને તંત્ર પણ ચુંટણી યોજવા સજજ બન્યું હતું. જેના ભાગરૂપ ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાં ઊભા કરાયેલા મતદાન કેન્દ્રો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારે ૭ કલાક થી મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી.
શરૂ આતમાં ધીમી પ્રક્રિયા શરૂ થવાની સાથે બપોરે વિવિધ કેન્દ્રો ઉપર એકલદોકલ મતદારોની હાજરી વર્તાઈ હતી. ધીમું અને નિરસ્મય વાતાવરણ ના કારણે ઉમેદવારોમાં ચિંતા બેઠતા પોતાના મત વિસ્તારમાં ટેકેદારોને દોડાવીને ઘરે ઘરે ખાનગી વાહનો મૂકીને તેઓને મતદાન કરવા માટે કેન્દ્ર સુધી લાવવાની ફરજ પડી હતી. અને સમય મર્યાદા પૂર્ણ થવાની સાથે વિવિધ કેન્દ્રો ઉપર મતદારોના પ્રવેશ થતાં અને તેઓ મતદાન થી વંચિત ન બને તે માટે પ્રોસાઈડીંગ સ્ટાફ દ્વારા તમામ મતદારોને વારાફરતી મતદાન કરાવ્યું હતું. સાંજે ૬ કલાક સુધી કુલ ૬૨.૯૮ ટકા મતદાન નોંધાયું હતું.
વોર્ડ નં.૬ માં ચુંટણી પ્રકિયા પૂર્ણ થયા બાદ ઉમેદવારોના બે જુથો વચ્ચે મતદાન અંગેની રીસ રાખીને પહેલા બોલાચાલી બાદ સામસામે આવી ગયા હતા. શરૂ આતમાં બે જુથો વચ્ચે છુટા હાથે મારામારી થતાં એક વ્યકિતને ઈજા થતાં તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અચાનક મારામારીના હિંસક બનાવને લઈને આસપાસના વિસ્તારમાં પોલીસ ચોકી નં.૭ની સામે ઉત્તેજના ભર્યો માહોલ સર્જાતા કલેકટર અને જીલ્લા પોલીસ વડા પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને શાંતિ જાવવાના પ્રયાસ હાથ ધરવાની સાથે વધુ પોલીસનો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હ તો. જોકે ગુજરાતના અન્ય નગર પાલિકા વિસ્તારો કરતા સુધારાજનક રહયું હતું. વોર્ડ નં.૯માં ઉમેદવારોના ટેકેદારો વચ્ચે મતદાનને લઈને અંદરોઅંદર બોલાચાલી થતાં ક્ષણિક વાતાવરણ તંગ બન્યું હતું. જોકે, બાદમાં ગણતરીની મીનીટોમાં આ લોકો સ્થળ છોડી દીધું હતું. જ્યારે વોર્ડ નં.૫ માં મતદાન પ્રક્રિયા ચાલુ હતી. દરમ્યાન ભાજપના ઉમેદવારનું બટન બરાબર દબાતું ન હોઈને વિલંબ થી અવાજ આવતો હોવાને લઈને અપક્ષ, કોંગ્રેસ તથા ભાજપના ટેકેદારો વચ્ચે આંતરિક ચર્ચાઓ ઉગ્ર ચાલી હતી.
જ્યારે વોર્ડ નં.૧૧ માં ભાજપના ઉમેદવારો વચ્ચે પેનલ તરફે મતદાન બાબતને લઈને બોલાચાલી થઈ હતી. જોકે બોલાચાલી દરમ્યાન ભાજપની પેનલના ઉમેદવારોના સમર્થકો એ મતદાતા કાપલીઓ ઉછાળી હતી. આમ, વિવાદને શાંત પાડયો હતો. બપોરના સમયે નગર પાલિકાના ૧૧ વોર્ડના નાયબ કાર્યપાલન ઈજનેરની કચેરી મતદાન મથકમાં મતદારોની લાંબા કતારો સર્જાઈ હતી. અને મતદાનનો સમય પૂર્ણ થતાં પ્રવેશ દ્વાર બંધ કરાઈને કતારમાં ઉભેલા મતદારોને ટોકન આપીને પ્રક્રિયા હાથ ધરવામાં આવ્યો હતો. જોકે, ગોધરા શહેરના વિવિધ મતદાન કેન્દ્રો ઉપર મતદારોને લઈને વિલંબ થી મતદાન પૂર્ણ થયું હતું. અને કોઈ મોટો અનિચ્છનીય બનાવ ન બનતાં પોલીસ તથા તંત્ર એ હાશકારો અનુભવ્યો હતો. તો બીજી તરફ અપક્ષ ઉમેદવારો એ માન્ય પક્ષોના ઉમેદવારોને હંફાવ્યા હોવાનું જાણવા મળે છે. મતદાન પૂર્ણ થવાની સાથે ઉમેદવારો તથા તેઓના ટેકેદારો વિવિધ ગણતરી મૂકીને હાર-જીતના દાવા કરી રહ્યા છે. આ સાથે ફરજ હાજર રહેલ પ્રોસીંડીગ સ્ટાફ અને પોલીસ દ્વારા ઈવીએમ જેવી સંવેદનશીલ તથા રેકર્ડ જેવી સમગ્ર સામગ્રીને લઈને મતગણતરી કેન્દ્ર ગુરૂ ગોવિંદ યુનિવર્સીટી સ્થિત પોલીટેકનીકમાં રાખવામાં આવ્યા હતા. અને અગામી મંગળવારના રોજ મતગણતરી હાથ ધરાઈને ઈવીએમમાં કેદ થયેલ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થનાર છે. હાલ પૂરતું ઉમેદવારોનું ભાવિ રહસ્યમય કેદ થયું છે.