પંચમહાલ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા ગોધરા તાલુકા વાવડીખુર્દ ખાતે આવેલ ટોલપ્લાઝા બંધ કરવા માટે કેન્દ્રિય માર્ગ વાહન વ્યવહાર મંત્રી નિતીન ગડકરીને સંબોધન કરતુ આવેદનપત્ર જિલ્લા કલેકટરને આપવામાં આવ્યુ હતુ.
ગોધરાના અમદાવાદ-ઈન્દોૈર નેશનલ હાઈવે માર્ગ ઉપર આવેલ વાવડીખુર્દ ટોલપ્લાઝા ધણા વર્ષોથી કાર્યરત છે. કેન્દ્રિય માર્ગ વાહન વ્યવહાર મંત્રીએ જણાવ્યુ હતુ કે,60 કિ.મી.ની મર્યાદામાં બે ટોલ પ્લાઝા ન હોવા જોઈએ જે બાબતને ઘ્યાનમાં લઈ રાષ્ટ્રિય ધોરીમાર્ગના નિતિ નિયમો અનુસાર ગોધરા વાવડીખુર્દ પાસે ટોલપ્લાઝા ઉપર વાહનચાલકો પાસેથી ટોલ ઉઘરાવવામાં આવે છે તે ગેરકાયદેસર છે. જેને લઈ ગોધરા શહેર અને આજુબાજુના વાહનચાલકો માટે અન્યાય થઈ રહ્યો છે. ગોધરા શહેરમાં ટ્રાન્સ્પોર્ટનો ધંધો ખુબ મોટા પ્રમાણમાં છે. તેને પણ આર્થિક ભારણ સહન કરવુ પડે છે. ત્યારે વાવડીખુર્દ ટોલપ્લાઝાને સદંતર બંધ કરવામાં આવે તેવી માંગ કેન્દ્રિય માર્ગ અને વાહન વ્યવહાર મંત્રીને સંબોધન કરતુ આવેદન પંચમહાલ જિલ્લા કલેકટરને આપવામાં આવ્યુ હતુ. આ અંગે મોટી સંખ્યામાં કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.