ગોધરા નગરપાલિકામાં થોડા સમય પુર્વે જ સમાવિષ્ટ કરાયેલી વાવડી ગ્રામ પંચાયતની કેટલીય રહેણાંક સોસાયટીઓમાં પાકા રસ્તાની સુવિધા ન હોય ચોમાસામાં આ સોસાયટીના રહેવાસીઓને કાદવ-કિચડવાળા રસ્તા પરથી પસાર થવુ પડે છે.
ગોધરાના બામરોલી સ્થિત મોટાભાગની સોસાયટીઓ વાવડી(બુ)ગ્રામ પંચાયતમાં આવતી હતી. એક વર્ષ જેટલા સમયથી ગ્રામ પંચાયતનો સમાવેશ પાલિકામાં થયો છે. પરંતુ નગરપાલિકા દ્વારા કોઈ સુવિધા નહિ અપાતા રહિશો હેરાન પરેશાન થઈ ગયા છે. આ વિસ્તારમાં આવેલી ગાયત્રી નગર રોયલ રેસીડેન્સી પાછળ અને આજુબાજુ લગભગ 500 જેટલા મકાનો ધરાવતી નાની-મોટી સોસાયટીઓમાં પાલિકા દ્વારા જરૂરી પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી નથી.
આ સોસાયટીઓમાં પીવાના પાણીની સુવિધા તેમજ રોડ-રસ્તાની કે સ્ટ્રીટ લાઈટની સુવિધા નથી. આ સોસાયટીઓ છેલ્લા પાંચ વર્ષથી બની છે. હાલ ચોમાસાના સમયમાં તો કાચા રોડ પર કાદવ-કિચડ થઈ જતાં રહિશો તેમનુ વાહન કે કાર પણ લઈ શકે તેમ નથી. તેમજ ચાલતા જવાનુ મુશ્કેલ બન્યુ છે. હાલ ચોમાસની સીઝનને પગલે રહિશો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.ત્રણ વર્ષ પહેલા ગાયત્રી નગરથી ચંદ્રિકા નગર સોસાયટીનુ રોડનુ ખાતામુર્હુત કરાયુ હતુ. જે બાદ આજદિન સુધી રોડનુ કામ શરૂ કરાયુ નથી. ત્યારે આ વિસ્તારમાં પાકો રોડ રોડ સહિતની અન્ય સુવિધાઓ આપવા રહિશો દ્વારા માંગ કરાઈ છે.