ગોધરાના વાવડી બુઝર્ગ ગામે વેચાણ લીધેલ જમીન સફાઈ માટે ગયેલ વ્યકિતને મારી નાખવાની ધમકી આપતાં ફરિયાદ

ગોધરા,ગોધરા તાલુકાના વાવડી બુઝર્ગ ખાતે વેચાણથી લીધેલી જમીનની સાફસફાઈ કરવા ગયેલા વ્યક્તિને બે ઈસમો દ્વારા જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ ગોધરા શહેરના સાંપા રોડ પર આવેલી વૈભવનગર સોસાયટીમાં રહેતા ધર્મેશભાઈ ગણપતભાઇ ભરવાડે ગોધરા શહેર અ ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, તેઓએ ગોધરા શહેરના વાવડી બુઝર્ગ વિસ્તારમાં આવેલી જમીન મેરૂભાઈ ભરવાડ પાસેથી દલાલ કમલેશ પરમાર અને વણઝારાને વચ્ચે રાખીને વેચાણથી લીધી હતી. જેની સાફસફાઈ કરવા માટે ગત 26 તારીખે જેસીબી મશીન લઈને ગયા હતા. જે અરસામાં લવ ચંદ્રકાન્ત સોનૈયા અને ચંદ્રકાન્ત હિસ્મતરાય સોનૈયા નામના બે ઈસમો આવ્યા હતા અને જણાવ્યું હતું કે, આ જમીન અમારી છે, તમે અહીંયા શું કરો છો, તેમ કહેતા ધર્મેશભાઈ એ જણાવ્યું હતું કે, અમે આ જમીન વેચાણથી લીધી છે. તો સાફસફાઈ કરવા માટે આવ્યા છીએ. તેમ કહેતા બંને ઈસમો ઉશ્કેરાઈ ગયા અને આ જમીન અમારી છે. અહીંયા ફરી જોવા મળશો, તો જાનથી મારી નાખીશું તેમ જણાવ્યું હતું. સમગ્ર મામલે આજરોજ ગોધરા શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે.