ગોધરાના જહુરપુરાથી ગુમ થયેલી બાળકી વણાંકપુરથી મળી.

ગોધરા શહેરના જહુરપુરા શાકમાર્કેટમાં બાળકી પોતાના સગા સાથે ખરીદી કરવા આવી હતી. બાળકી સગા પાસેથી વિખુટી પડી જતા બાળકોની શોધખોળ કરવા છતાં મળી ન આવતા ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. બાળકીનું અપહરણ થયાની શંકાને લઇને પોલીસે વિવિધ ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી હતી. તેમજ બાળકીનો ફોટો સોશિયલ મિડીયામાં વારઇલ કરીને શોધખોળ પોલીસે શરૂ કરી હતી.

પોલીસે શહેરના વિવિધ વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરતાં એક સીસીટીવી કેમેરામાં ભીખ માંગનારી મહિલાઓ દુકાન દુકાન બાળકીને લઇને ફરતા જોવા મળી હતી. ગોધરા તાલુકા પોલીસ મથકના પીઆઈ પ્રવીણ અસોડા દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સના આધારે પોલીસે તપાસના ઘોડા દોડાવ્યા હતા. બાતમીના આધારે તાલુકા પોલીસ મથકની ટીમે અપહ્યત (ગુમ) થયેલી બાળકીને ગણતરીના કલાકોમાં ગોધરાના વણાંકપુર ગામેથી શોધી કાઢી હતી. તેમજ બાળકીને લઇને જનાર મહિલાઓને પકડીને બી ડિવિઝન પોલીસને સોંપ્યા હતા. પોલીસે મહિલાઓની પુછપરછ કરતા મહિલાઓએ જણાવ્યું હતું કે અમે માંગવા નિકળ્યા હતા. ત્યારે બાળકી રસ્તામાં ભુલી પડેલી બાળકી રડતી હતી. જેથી અમે તેને અમારી સાથે લઇ ગયા હતા તેમ જણાવ્યું હતું. ત્યારે પરિવારને બાળકી મળતા પોલીસનો આભાર માન્યો હતો.