ગોધરા,
ગોધરા તાલુકાના તાજપુર છીપા ગામે સામાન્ય વાતે એક વ્યક્તિને ગામના જ ચાર ઈસમો દ્વારા માર મારી શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જે મામલે ઇજાગ્રસ્તની દીકરીએ ગોધરા તાલુકા પોલીસ મથકે ચાર ઈસમો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ગોધરા તાલુકાના તાજપુર છીપા ગામે તળાવ ફળિયામાં રહેતા અસ્મીતાબેન બળવંતભાઈ બારીઆ એ ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેઓના પિતા ઘરનો સરસામાન લેવા ગામમાં આવેલી દુકાને ગયા હતા. જ્યાંથી તેઓ પરત ફરી રહ્યા હતા. ત્યારે અમારા ગામના ચાર ઈસમો પ્રતાપસિંહ ફતેસિંહ બારીઆ, ગણપતસિંહ ફતેસિંહ બારીઆ, સાલમસિંહ ફતેસિંહ બારીઆ અને સંજય અર્જુનભાઈ બારીઆએ એકાએક જ અમારા પિતાને કોઈ કારણ વગર બીભત્સ શબ્દો બોલી કહેવા લાગ્યા હતા કે અત્યારે ક્યાં ગયા હતા. જેથી મારા પિતાએ બીભત્સ શબ્દો બોલવાની ના પાડતા ચારેય ઈસમો એક દમ ઉશ્કેરાઈ જઇ મારા પિતા સાથે મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ જણાવતા હતા કે આજે તો તુ બચી ગયો છું અને હવે પછી સામે મળીશ તો તને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. ત્યારે સમગ્ર બનાવ બન્યા બાદ અમે અમારા પિતાની સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી અને દવા સારવાર કરાવી હતી. ત્યારે તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તે માટે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.