ગોધરાના પોપટપુરા ગામેથી સફેદ પથ્થર ભરેલ ટ્રક સાથે ઈસમને ઝડપી પાડતી ખાણ ખનિજની ટીમ

ગોધરા, ગોધરા ખનિજ માફિયા સામે જિલ્લા ખાણ-ખનિજ વિભાગે અસરકારક કામગીરી કરી એક પછી એક દરોડા પાડી ગેરકાયદે ખનિજ વહન કરતા તત્વો સામે કાર્યવાહી કરતા ફફડાટ ફેલાયો છે. ગોધરા ખાણ-ખનિજ વિભાગે સફેદ પથ્થર ભરેલા એક વાહન પકડી 15 લાખનો મુદામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પોપટપુરા ગામે એક ટ્રક ઝડપી પાડી એક ઈસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પંચમહાલ જિલ્લામાં આવેલા તાલુકા ઓમાં બ્લેકટ્રેપ અને સફેદ પથ્થર અને રેતીની ગેરકાયદે ચોરી તથા ગેરકાયદે ખનન તેમજ વહન કરવાની ગેરકાયદે પ્રવૃતિ આચરવા માફિયા તત્વો બેફામ બન્યા છે. ખનીજચોરીના દુષણને ડામવા આકરા પગલા લેવાની શરૂઆત કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પોપટપુરા ગામે ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા રાત્રિ દરમિયાન ચેકીંગ હાથ ધરવામાં આવી હતી.જ્યાં રાત્રિ દરમિયાન એક ટ્રક શંકાસ્પદ હાલતમાં આવી રહી હતી ત્યારે તેની અટકાયત કરવામાં આવી હતી. જેમાં ટ્રક નં.જીજે-18-ટી-9278 ચાલક એઝાદ અશરફ બંગલાવાલા પાસે રોયલ્ટી પાસની માંગણી કરતા તેને રજુ કરવામાં આવ્યું ન હતું. જેથી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ટ્રકનું વજન કરાવતા આશરે 16 મેટ્રિક ટન સફેદ પથ્થર મળી આવ્યો હતો. જેથી ખાણ ખનીજ વિભાગની ટીમે 15 લાખના મુદ્દામાલ સાથે એઝાદ અશરફ બંગલાવાલાની અટકાયત કરી મુદ્દામાલને સીજ કરી ગોધરા કલેકટર કચેરી ખાતે મૂકવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત જુલાઈ 2023 માં ગોધરા ખાણ ખનીજ વિભાગ ની ટીમ દ્વારા આજ ટ્રક નં.જીજે -18-ટી- 9278 ઝડપી પાડી શહેરા મામલતદાર કચેરી ખાતે મુકવામાં આવી હતી. ત્યારે એ દરમિયાન આ ટ્રકને શહેરા મામલતદાર કચેરી ખાતેથી રાત્રિ દરમિયાન ચોરી જવામાં આવી હતી. જેને કારણે ગોધરા ખાણ ખનીજ વિભાગે આ ટ્રક ચાલક ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારે ફરી એકવાર ગોધરા તાલુકાના પોપટપુરા ખાતેથી ચેકિંગ દરમિયાન શંકાસ્પદ રીતે આવી રહેલ ટ્રક નં.જીજે-18-ટી- 9278 ગત રાત્રીએ ઝડપી પાડવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.