- એશીયાના સૌથી મોટા કબ્રસ્તાનના રોડની સમસ્યાથી જનાઝામાં જતા લોકો પરેશાન.
- પશ્ચિમ વિસ્તારના રસ્તાઓની મંગરગતિની કામગીરી માટે કોન્ટ્રાકટ અને અધિકારીઓની મિલીભગત.
ગોધરા,
ગોધરાના પશ્ચિમ વિસ્તારમાં 15માં નાણાં પંચ 2020-21 અંંતર્ગત જાહેર રસ્તાઓ બનાવવા માટે માતબર રકમ ફાળવવામાં આવી હોય તેમ છતાં મંથરગતિથી ચાલતા કામને લઈ કબ્રસ્તાનમાં જનાઝામાં જતા લોકો તેમજ શાળાએ જતા વિદ્યાર્થીઓ, રાહદારીઓને પડતી મુશ્કેલીઓને લઈ સમસ્ત મુસ્લીમ સમાજ દ્વારા જીલ્લા કલેકટરને આવેદન આપવામાં આવ્યું.
ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારના રોડ-રસ્તાઓ માીટે 15માં નાણાં પંચ 2020-21 અંતર્ગત જાહેર રસ્તાઓમાં જહુરપુરા, ગૃહ્યા મહોલ્લા, રેલ્વે સ્ટેશન સામેથી રોયલ હોટલ થી સિગ્નલ ફળીયા, ગરનાળા સુધી જે રસ્તો ચાર વર્ષથી બંધ છે. તેમજ સાતપુલ જકાત નાકા થી એમ.ઈ.ટી. હાઈસ્કુલ સુધી, ધી ઈકબાલ ગર્લ્સ હાઈસ્કુલ થી સાતપુલ જકાતનાકા સુધીના રસ્તાઓ માટે સરકાર દ્વારા માતબર રકમ મંજુર કરવામાં આવી છે. આ રસ્તાઓ બનાવવા માટે ટેન્ડરીંગ થયા પછી કામનું ખાતમુર્હત પણ એક વર્ષથી કરવામાં આવ્યુંં છે. ખાતમુર્હત થયા બાદ રસ્તાઓની કામગીરી મંથરગતિથી ચાલી રહ્યું છે. જેના કારણે એશીયામાં સૌથી મોટા કબ્રસ્તાનને જોડતા રસ્તાની હાલત ઉબડખાબડ થયેલ હોય પરિણામે કબ્રસ્તાનમાં જનાઝામાં જતા નમાજીઓ ભારે પરેશાન થઈ રહ્યા છે. સાથે શાળામાં જતા વિદ્યાર્થીઓ તેમજ રાહદારીઓને હેરાનગતિ વેઠવાનો વારો આવ્યો છે. રસ્તાઓના ખોદકામને લઈ ઉડતી ધુળના રજકણોને લઈ રહિશોને શ્ર્વાસોશ્ર્વાસની તકલીફોનો સામનો કરી રહ્યા છે.
આ વિસ્તારોમાં ઉબડ-ખાબડ રસ્તાઓને લઈ અવાર-નવાર અકસ્માતનો ભય પણ વધી રહ્યો છે. આ વિસ્તારમાં જે રસ્તાઓની અધુરી અને મંથરગતિથી ચાલતી કામગીરીને લઈ આ માર્ગ ઉપર આવેલ કારખાનાઓ, સ્કુલના વાહનો તેમજ કબ્રસ્તાનમાં જનાઝો લઈ જતા મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે અને મોતનો મલાજો જળવાતો નથી. જેને લઈ સમસ્ત મુસ્લીમ સમાજ દ્વારા પંચમહાલ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને રજુઆત કરાઈ છે. ગોધરા પાલિકાના જવાબદાર અધિકારીઓ તેમજ જે તે ખાતાના વડાને થર્ડ પાર્ટી ઈન્સ્પેકશન કરવામાં આવે તેમજ રસ્તાની કામગીરી કરતાં કોન્ટ્રાકટરને બોલાવી સમય મર્યાદામાં કામગીરીની બાંહેધરી લઈ શરતો મુજબ જવાબદારો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ.