ગોધરા તાલુકાના નસીરપુર ગામમાં યુવક-યુવતી ભાગી જવાની અદાવતે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. યુવતીના સગાઓએ યુવકના ઘર પર હુમલો કરી આગ લગાવી દીધી છે. ઘટના મુજબ, ખોજલવાસા ગામની યુવતીના સગાઓએ નસીરપુર ગામમાં આવી તોફાન મચાવ્યું હતું. ગુસ્સે ભરાયેલા લોકોએ યુવકના ઘરને નિશાન બનાવી આગ ચાંપી દીધી હતી.
આ હિંસક ઘટનામાં એક મહિલાને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાલ નસીરપુર ગામમાં ભયનો માહોલ છે. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા કડક બંદોબસ્ત ગોઠવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

