ગોધરાના મોરાડુંગરી પ્રાથમિક શાળામાં માથાભારે વાલીએ શાળાના આચાર્યને મારી નાંખવાની ધમકી આપીને મુકકો મારીને ગંભીર ઈજાઓ કરી હોવાની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકે નોંધાવવા પામી છે. જયારે માથાભારે ઈસમે મારી નાંખવાની ધમકી આપી હોવાથી આચાર્યએ રાજયના શિક્ષણમંત્રીને પણ લેખિત રજુઆત કરી છે.
ગોધરાના નવી વસાહત મોરાડુંગરી ડેઝર વાઘોઈ પ્રાથમિક શાળામાં શાળાના આચાર્ય વિનોદચંદ્ર પટેલ તે જ શાળાના શિક્ષકો કારમાં શાળા તરફ આવતા હતા ત્યારે શાળાના ગેટમાં જતા નવી વસાહત મોરડુંગરા ગામનો પટેલિયા જયંતિભાઈ રવાભાઈએ તેઓની બાઈક ગેટ પાસે મુકીને જતા રહ્યા હતા. જેથી કાર બહાર ઉભી રાખીને આચાર્ય સહિત શિક્ષકો શાળામાં જતા રહ્યા હતા. તે દરમિયાન વાલી જયંતિભાઈ પટેલિયા આવીને કહેલ કે, આ જમીન અમારી છે તમે અહિંથી જતા રહો, તેમ કહીને અપશબ્દો બોલતા હતા. આચાર્યએ કહ્યુ કે, સ્કુલમાં બાળકો હોય અપશબ્દો બોલશો નહિ તેમ કહેતા જયંતિભાઈ ઉશ્કેરાઈને તમો બાળકોને ઉભા કેમ જમાડ્યા હતા. તો આચાર્યએ કહ્યુ કે વરસાદ હોવાથી અમુકને બેસાડી અને અમુકને ઓટલા પર ઉભા રાખીને જમાડ્યા હતા. જયંતિભાઈ પટેલિયા ઉશ્કેરાઈને આચાર્ય વિનોદભાઈને મુકકો મારી દેતા નાકના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.