ગોધરાના મહુલિયા પાસે તુફાન અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ વ્યકિતઓને ઈજાઓ

ગોધરા,

ગોધરા તાલુકાના મહુલિયા પાસે તુફાન જીપ અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. દરમિયાન તુફાન ગાડીના કુરચા ઉડી ગયા હતા. આ અકસ્માતમાં ત્રણ વ્યકિતઓને ઈજાઓ પહોંચી હતી જે પૈકી એક વ્યકિતને ગંભીર ઈજાઓ પહોંચતા વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યા હતો.

ગોધરાથી દામાવાવને જોડતા માર્ગ ઉપર મહુલિયા ગામ નજીક એક ટ્રેકટર અને તુફાન ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત દરમિયાન ટ્રેકટર રોડની સાઈડમાં ખાડામાં ઉતરી ગયુ હતુ. જયારે તુફાન ગાડીનો જમણો ભાગ અને છતનો તમામ ભાગ ગાડીથી દુર જતો રહ્યો હતો. અકસ્માત બાદ તુફાન ગાડી ભંગાર હાલતમાં ફેરવાઈ ગઈ હતી. જોકે બિનસત્તાવાર જાણવા મળ્યા મુજબ તુફાન ગાડીમાં ત્રણ વ્યકિતઓ સવાર હતા જેમાં ચાલકનો પણ સમાવેશ થાય છે. તેઓ ઝાલોદ પંથકના હોવાનુ તેમજ ત્રણેય ઈજાઓ પહોંચતા ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હોવાનુ જાણવા મળ્યુ હતુ. સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવેલ ઈજાગ્રસ્ત પૈકી એકને ગંભીર ઈજાઓ થઈ હોવાથી વધુ સારવાર માટે વડોદરા ખાતે રિફર કરવામાં આવ્યો હતો. બનાવ અંગે ગોધરા તાલુકા પોલીસ પણ ધટના સ્થળે દોડી આવી હતી.