ગોધરા, ગોધરા તાલુકાના કેવડીયા ગામ નજીક બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ચાર જેટલા વ્યક્તિઓને નાનીમોટી ઈજાઓ પહોંચી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના સાંકલી આંટા ગામે રહેતો મનોજ પ્રવીણભાઈ બારીયા પોતાની પત્ની સાથે વડેલાવ ગામે આવેલી સાસરીમાં ગયો હતો. જ્યાંથી રાત્રિરોકાણ બાદ ગતરોજ સવારના સમયે પોતાની પત્ની સાથે બાઈક લઈને પોતાના ઘરે આવવા નીકળ્યા હતા. જે દરમ્યાન કેવડીયા ગામ નજીક પાછળથી પૂરઝડપે આવેલા અન્ય બાઇકચાલકે મનોજ બારિયાની બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માત મનોજ અને તેઓની પત્ની ગીતાબેન રોડ પર ફંગોળાઈ ગયા હતા. ગીતાબેનને કમરના ભાગે ઈજાઓ પહોંચી હતી તથા બાઈકચાલક મનોજને નાનીમોટી ઈજાઓ પહોંચી હતી. જ્યારે અકસ્માત કરનારા અન્ય બાઈકચાલક તેમજ પાછળ બેઠેલ એમ બે વ્યક્તિઓને પણ ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પતિ પત્નીને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ખાનગી વાહન મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.