ગોધરાના જુનીધરી ગામે કરિયાણુ ખરીદવા બાબતે ગર્ભવતિ પત્નિ અને પતિને ચાર ઈસમોએ માર મારતા ફરિયાદ

ગોધરા,

જુનીધરી ગામે આવેલા મોટા ફળિયામાં રહેતા રાજેશભાઈ ગીરવતભાઈ માછી અને ગર્ભવતી પત્નિ ભારતીબેન ધરે હતા ત્યારે ગામમાં રહેતા કાંતિલાલ માછી, આશીષભાઈ માછી, કૃતજ્ઞકુમાર માછી, તેઓના ધરે આવ્યા હતા અને જણાવ્યુ હતુ કે, તમે અમારી દુકાનેથી કેમ કરિયાણુ નથી લેતા અને તમારે પ્રતોભાઈની દુકાને કરિયાણુ લેવા માટે નહિ જવાનુ કહેતા દંપતિએ જણાવ્યુ હતુ કે, અમે ગમે ત્યાંથી કરિયાણુ લઈએ એમા તમારે શુ , જેને લઈને ત્રણેય ઈસમો ઉશ્કેરાઈ ગયા હતા અને ભારતીબેનને અપશબ્દો બોલવા લાગ્યા હતા. અને ઝધડો કર્યો હતો. જે દરમિયાન ચંપાબેન રતિલાલ માછી પણ આવી ગયા હતા. જેઓએ ભારતીબેનને વાળ પકડીને નીચે પાડી દઈને ગદડાપાટુનો માર માર્યો હતો. જેમાં ગર્ભવતિ ભારતીબેનનને પેટને ભાગે લાત વાગી ગઈ હતી. જયારે આશીષભાઈ અને કૃતજ્ઞએ રાજેશભાઈને માર મારતા રાજેશભાઈના બા ભુરીબેન છોડાવવા પડતા આશિષે ભુરીબેનને કુહાડીનો હાથો મારીને ઈજાઓ પહોંચાડી હતી. બીજી તરફ આસપાસના લોકો દ્વારા 108ને જાણ કરીને ભારતીબેન, ભુરીબેન તથા રાજેશભાઈને સારવાર અર્થે ગોધરા સિવિલમાં ખસેડ્યા હતા. રાજેશભાઈએ કાંકણપુર પોલીસ મથકે ચાર ઈસમો સામે ગુનો નોંધાવતા કાર્યવાહી હાથ ધરી હતી.