ગોધરા,
ગોધરા તાલુકાના ગોવિંદી પ્રાથમિક શાળા ખાતે ધોરણ-8 નો વિદાય સંમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે લો કોલેજ ગોધરાનાં અધ્યાપક ડો.સતીષ નાગર તથા સી.આર.સી. ગોવિંદસિંહ સોલંકી હાજર રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય થી કરવામાં આવી હતી તથા મહેમાનોનું સ્વાગત પુષ્પગુચ્છથી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન શાળાના આચાર્ય રોશનીબેન શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. સુંદર સ્વાગત ગીત ધોરણ-6 ની વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. વધુમાં કાર્યક્રમનાં મુખ્ય મહેમાન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વિદ્યાર્થી એ ભારતનું ભવિષ્ય છે, માટે તેઓને આગામી સમયમાં ખૂબ સારૂં અને ઉચ્ચ શિક્ષણ મળે અને આગળ વધે તથા આવનાર સમયમાં વિદ્યાર્થીઓ એ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કઈ રીતે કરવી તેના વિશે ઊંડી માહિતી આપી હતી.
ઉપરાંત શાળાનાં આચાર્ય રોશની શાહે જણાવ્યું હતું કે, પી.એસ સી. તથા એન.એમ એમ.એસ.પરીક્ષામાં શાળાના કુલ 30 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઈ શાળાનું ગૌરવ વધાર્યું છે. જે શાળા પરિવાર માટે ગૌરવની વાત છે. વિદ્યાર્થીઓએ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા તમામને મંત્ર મુગ્ધ કર્યા હતા. આ કાર્યક્રમમાં શાળા પરિવારનાં બાળકોની ખૂબ મોટી હાજરી હતી તથા શાળાનું વાતાવરણ લાગણીમય બન્યું હતું. કારણ કે તેમના જીવનની એક નવી શરૂઆત અહીંયા થી થાય છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળા પરિવારના વિરલભાઈ અને રમેશભાઈ તથા સમગ્ર શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.