ગોધરા,ગોધરા શહેરના ગોન્દ્રા વિસ્તારમાં આવેલ ઇદગાહ મહોલ્લા વિસ્તારમાં ઘર પરથી સીસીટીવી કેમેરા હટાવી લેવાનું જણાવીને પાંચ ઈસમો દ્વારા એક મહિલા સાથે ઝઘડો કરવામાં આવ્યો હતો.
ગોધરા શહેરના વિસ્તારમાં આવેલ ઇદગાહ મહોલ્લામાં રહેતા હફિઝા ખાલિદ ફારૂક ઉભલીએ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ગત 8 તારીખે રાતના સમયે હું મારા ઘરે હાજર હતી. તે વેળાએ ખૈરૂન નિશાર બદામ અને ફાતમા સુફિયાન હયાત તેઓના ઘરે આવ્યા હતાં અને અપશબ્દો બોલીને જણાવ્યું હતું કે, તમે તમારા ઘર પર કેમેરો રાખ્યો છે. જે અમારા ઘરની સામે રાખ્યો છે, તો અમારા ઘરની સામેથી કેમેરો હટાવી અમને ઉઠવા બેસવાની તકલીફ પડે છે, તેમ જણાવીને અપશબ્દો બોલવા લાગ્યા હતાં, જેને લઇને હફિઝા ઊભલીએ અપશબ્દો બોલવાની ના પાડતાં ખૈરૂન નિશાર બદામ અને ફાતમા સુફિયાન હયાત હફિઝા ઊભલીને ગડદાપાટુંનો માર મારવા લાગ્યા હતાં. જે દરમ્યાન શાહિદ સાદિક હયાત અને શાહિદ સિરાજ રેન્જર હાથમાં તલવાર સાથે આવીને હફિઝા ઊભલીને અપશબ્દો બોલવા લાગ્યા હતા. જેને લઇને તેઓના સબંધી આવી જતા તમામ ઈસમો નાસી છૂટયા હતાં અને ધમકી આપી જણાવ્યું હતું કે આજે બચી ગયા છો, હવે પછી કેમેરો નહિ હટાવો તો જાનથી મારી નાખીશું. જેની થોડીવાર પછી અસ્ફાક ઇકબાલ ધંત્યા લાકડી લઈને ધસી આવ્યો હતો અને હફિઝા ઊભલીના ઘર પાસે રહેલી કારના કાચ પર લાકડી મારીને કાચને નુકશાન પહોંચાડ્યું હતું. ત્યારે સમગ્ર ઘટનાને લઇને પાંચ ઈસમો સામે શહેર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે.