ગોધરાના ગઢ ગામે LPG ગેસના ટેન્કરમાંથી વિદેશી દારૂ જપ્ત : રોકડા સહિત 68.29 લાખનો મુદ્દામાલ કબજે

ગોધરા તાલુકાના ગઢ ગામે મુખ્ય હાઈવે માર્ગ પર એલપીજી ગેસના ટેન્કરમાં વિદેશી દારુની બોટલો સાથે એક ઈસમને પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં એલપીજી ગેસના ટેન્કરમાં તપાસ કરતા વિદેશી દારુની બોટલો સાથે મોબાઈલ ફોન, રોકડા રૂપિયા મળી કુલ રૂ. 68,29,996 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારીએ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીને જિલ્લામાં દારૂની અસામાજીક પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સારૂ જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યું હતું. તે સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પી.આઇ.એન.એલ.દેસાઈ, પી.એસ.આઇ.આર.એન.પટેલ તથા સ્ટાફના કર્મચારીઓને પ્રોહીબીશનની હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી રેઇડો કરવા સૂચના આપી હતી.

જે સુચના અન્વયે એલ.સી.બી.ના યોગેશકુમાર સુભાષચંન્દ્રને ખાનગી બાતમીદાર દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે, એક ટાટા કંપનીનું બંધ બોડીનું એલ.પી.જી. ગેસનું ટેન્કર(યુ.પી.85.એ.ટી.8912)માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે અને તેનો ચાલક દાહોદ તરફથી નીકળી ગોધરા તરફ આવનાર છે. જે બાતમી આધારે એલ.સી.બી.પોલીસ સ્ટાફે ગઢ ગામની સીમમા દાહોદથી ગોધરા જવાના રોડ પર પટેલ ઢાબા પાસે ખાનગી વોચ રાખી હતી. જે બાતમી મુજબ બાતમી વર્ણનવાળું એલ.પી.જી.ગેસનું ટેન્કર આવતાં તેને પકડી પાડી તપાસ કરતાં ડ્રાઇવર કોઈ સંતોષકારક જવાબ આપતો ન હતો.

તેમજ ટેન્કર એલ.પી.જી. ગેસનું હોય તેમાં તપાસ કરવી જોખમ જણાતું હોય ટેન્કરને આગ ન લાગે અને કોઈ મોટો બનાવ ન બને તે માટે જરૂરી આગ કાબૂમાં લેવા માટેના જરૂરી સાધનો સાથે ગોધરા બાયપાસ ઉપર આવેલી લીલેસરા ગામની સીમમાં ખુલ્લી જગ્યામાં ટેન્કર લઈ જઈ ટેન્કરમાં તપાસ કરી હતી. ટેન્કરની નીચેના ભાગે ગેસ ભરવા તેમજ ખાલી કરવા માટેના વાલ્વ ખોલતા અંદરથી એલ.પી.જી. ગેસની વાસ આવતાં ધીમે ધીમે ટેન્કરના વાલ્વમાંથી ગેસ વાલ્વ દ્રારા ખાલી કરી ગેસ નીકળતો બંધ થયા પછી ટેન્કરની પાછળના ભાગે આવેલ પ્રેસર મીટર ખોલી તેના કાણામાંથી જોતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ જણાતા દારૂ બહાર કાઢવા માટે ગેસ કટરથી કટીંગ કરવાનું જરૂરી હોય ગેસ કટરવાળાને બોલાવી ટેન્કરના પાછળના ભાગે પતરુ કટીંગ કરી ટેન્કરમાં ભરેલ વિદેશી દારૂ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનના ઓરવાડા આઉટ પોસ્ટ ઉપર જરૂરી પોલીસ જાપ્તા સાથે લઇ જઇ લાઇટના અજવાળે ટેન્કરમાંથી વિદેશી દારૂની પેટીઓ બહાર કાઢી હતી.

પોલીસે વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની પેટીઓ નંગ- 770 કિ.રૂ.58,13,796નો જથ્થો ઝડપી પાડ્યો હતો. ટેન્કર ચાલક ચંપકલાલ ખેતરામ જાટ (રહે. દેતાણી,ગીરાબ,બાડમેર, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. જ્યારે પોલીસે અનિલ ઉર્ફે પાન્ડીયા જગદીશપ્રસાદ જાટ (રહે. ખાજી કા બાસ, ફતેપુરા, રાજસ્થાન) તથા અન્ય સામે ગુનો નોંધી તપાસ લંબાવી છે. મળેલા રોકડા રૂપિયા મળી કુલ રૂ. 68,29,996ના મુદ્દામાલ સાથે ટેન્કર ચાલકને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.