ગોધરાના ગણેશ મંડળો અને સ્ટેટ પોલીસ મિત્રોનુ પ્રશસ્તિપત્ર આપી સન્માન કરાયુ

ગોધરા, ગોધરા શહેરમમાં ગત સપ્ટેમ્બર માસમાં શ્રી ગણેશોત્સવ સમિતિના નેજા હેઠળ ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. જે બાદ ગોધરા શહેરમાં નવરાત્રિ મહોત્સવની પણ રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. ગોધરા શહેરના બે મુખ્ય તહેવારોને શહેરીજનોએ ઉલ્લાસપુર્વક માણ્યા હતા. ત્યારે પંચમહાલ પોલીસ દ્વારા આ બંને તહેવારોમાં ભાગ લેનાર પોલીસ મિત્રો અને જાગૃત નાગરિકોને સન્માનિત કરવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગોધરા શહેરના શ્રેષ્ઠ શ્રી ગણેશ મંડળોનુ પ્રશસ્તિપત્ર આપીને સન્માન કરવામાં આવ્યુ હતુ. સાથે જ ગોધરા શહેરની આન બાન અને શાન સમી શ્રી ગણેશજી વિસર્જન શોભાયાત્રા શાંતિમય માહોલમાં સંપન્ન થાય તે માટે પ્રયત્નશીલ રહેલા પોલીસમિત્રોનુ પણ આ પ્રસંગે પ્રશસ્તિપત્ર આપીને સન્માન કરવામાં આવ્યુ હતુ. સાથે જ ગોધરા શહેરના પોલીસ મુખ્ય મથક સુરક્ષા સેતુ તેમજ ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાં નવરાત્રિ મહોત્સ્વનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર નવરાત્રિ મંડળોનુ પણ પોલીસ વિભાગ દ્વારા અભિનંદન પત્ર આપીને સન્માન કર્યુ હતુ. આ પ્રસંગે ગોધરા રેન્જ ડી.આઈ.જી.રાજેન્દ્ર અસાર, જિલ્લા પોલીસવડા હિમાંશુ સોલંકી સહિત નાયબ પોલીસ અધિક્ષક સહિતનો પોલીસ સ્ટાફ તથા ગોધરા શહેરના વિવિધ શ્રીગણેશ મંડળના આયોજકો, તમામ સમાજના અગ્રણિઓ તેમજ શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.