ગોધરા, ગોધરા શહેરના દંતાણી વાસમાં એટલી ગંદકી અને કિચડ છે કે, લોકો આવી સ્થિતિ જીવન નિર્વાહ કરવા મજબૂર બન્યા છે. સાથે એક મહિલાએ તો કહ્યું કે ટોયલેટ માટે એટલી લાંબી લાઇનો લાગે છે કે સવારે પાંચ વાગ્યે ઉઠીને જુવાન દીકરીઓને બે કિલોમીટર દૂર લઇ જવી પડે છે.
ગોધરા શહેરના નવરંગ સોસાયટીની પાસે દંતાણી વાસ વિસ્તાર આવેલો છે. જ્યાં હાલ બે હજાર લોકો વસવાટ કરે છે. પરંતુ દંતાણી વાસમાં પ્રવેશતાની સાથે ચારે બાજુ કચરાના ઢગલાં તેમજ ગટર લાઈનનું ગંદુ પાણી રોડ ઉપર અને ઘરોમાં રેલાયેલું જોવા મળી રહ્યું છે. જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. ચારેકોર લીલના થર જામી ગયેલા જોવા મળી રહ્યા છે. જેના કારણે રોગચાળો ફાટી નીકળવાની સંભાવના જોવા મળી રહી છે.
દંતાણી વાસમાં રહેતા જમનાબેને જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી અમારી જિંદગી આવી જ રીતે પસાર થઈ રહી છે અને આજ રીતે ગંદકીમાં રસોઈ બનાવીએ છીએ. મારી માતા 90 વર્ષના છે, આજે પણ અમારા ઘર આંગણે ગંદકીમાં રસોઈ બનાવી પડે છે અને આજ રીતે ગંદકીમાં ખાવા મજબુર બનવું પડે છે. અમારે જોડે બીજો કોઈ રસ્તો નથી. અમે નગરપાલિકાના સભ્યોને ભરપેટ વોટ આપ્યા છે, પરંતુ સ્થાનિક કોર્પોરેટર પણ અમારી ભાળ લેતા નથી. જ્યારે બીજા એક ઉંમરલાયક દાદીએ કહ્યું હતું કે, બસ આ જ રીતે ગંદકી માં ચૂલો ફૂંકીને ખાવું પડે છે અને આવી ભયાનક ગંદકીમાં છોકરાઓને શું ખવડાવી એ ખબર નથી પડતી.
દિનેશભાઈ દંતાણીએ જણાવ્યું હતું કે, દેશ આઝાદ થયો ત્યારથી અહીં રહીએ છીએ. છેલ્લા 60 થી 80 વર્ષથી અમારા બાપદાદાઓથી રહીએ છીએ અને આવી જ ગંદકીઓમાં અમારા બાપદાદાઓ મરી ગયા પરંતુ હજુ સુધી અમારી સમસ્યાનું સમાધાન કરવામાં આવતું નથી. નગરપાલિકા સહિત કલેકટર કચેરીઓમાં વારવાર રજૂઆત કરી પરંતુ હજુ સુધી અમારી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી. આજે છ મહિના થઈ ગયા છતાં પણ ગટર લાઈનની સાફ-સફાઈ કરવામાં આવતી નથી.