ગોધરા, પંચમહાલ જિલ્લા વહીવટી તંત્રની સંયુકત ટીમ દ્વારા ગોધરાના છબનપુર વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરીને બેરોકટોક માટીનુ નિયમ વિરુદ્ધ વહન કરતા 12 જેટલા ડમ્પર ઝડપી પાડ્યા હતા. ગોધરા તાલુકા વિસ્તારમાંથી ઝડપાયેલા તમામ વાહનોને આરટીઓ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો.
પંચમહાલ જિલ્લા વહીવટી તંત્રની સંયુકત ટીમે ગોધરા તાલુકા વિસ્તારમાં સપાટો બોલાવ્યો હતો. ગોધરા પ્રાંત અધિકારી, જિલ્લા આરટીઓ વિભાગની સંયુકત ટીમ બનાવીને ગોધરા તાલુકા વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. તંત્રની ટીમે ગોધરા તાલુકાના છબનપુર નજીક બેરોકટોક નિયમ વિરુદ્ધ માટીનુ વહન કરતા 12 જેટલા ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા હતા. તમામ વાહનોના ચાલકો પાસે વહન કરવા માટેના જરૂરી દસ્તાવેજો ન હોવાનુ સામે આવ્યુ હતુ. જેને લઈ જિલ્લા કલેકટર દ્વારા આરટીઓ વિભાગને કાર્યવાહી કરવા માટે જાણ કરવામાં આવી હતી. આરટીઓ દ્વારા તમામ વાહનો કબ્જે લઈને વજન કરવામાં આવ્યા હતા. જેમાં તમામ વાહનોમાં ઓવરલોડ માટી ભરેલી હોવાનુ સામે આવ્યુ હતુ. જેથી નિયમ મુજબ તમામ વાહનો સામે દંડનીય કાર્યવાહી કરીને રૂ.3.67 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તમામ વાહનોમાં ગોધરા તાલુકા અને શહેરા તાલુકાના વિવિધ તળાવોમાંથી સુજલામ સુફલામ યોજના અંતર્ગત માટીનુ ખોદકામ કરીને ભારતમાલા પ્રોજેકટના મુંબઈ-દિલ્હી કોરીડોર માટે ઉપયોગ માટે લઈ જવાઈ રહી હતી.