- ત્રણ ગામોના 43 વર્ષો જૂના, જમીન સિંચાઇ યોજનાના અસરગ્રસ્ત ગામોના ખેડૂતોને જમીનના હુકમ અને જમીનના ગામ નમૂના નંબર 7નો વિતરણ કાર્યક્રમ યોજાયો.
ગોધરા, પંચમહાલ જિલ્લાના છબનપુર સ્થિત ખોડીયાર માતા મંદિર, હોલ ખાતે ગોધરા ધારાસભ્ય સી.કે.રાઉલજી, જિલ્લા કલેકટર આશિષ કુમાર, સ્ટેમ્પ ડયુટી કલેકટર ફાલ્ગુન પંચાલ અને મહાનુભાવોની ઉપસ્થિતીમાં ખેડૂતોને પુન:વસવાટની જમીનના હુકમો એનાયત કરાયા હતા. ત્રણ ગામોના 43 વર્ષો જૂના જમીન સિંચાઇ યોજનાના અસરગ્રસ્ત ગામોના ખેડૂતોને જમીનના હુકમ અને જમીનના ગામ નમૂના નંબર 7નો વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
પંચમહાલ જિલ્લાના હડફ, કબુતરી અને અદલવાડા સિંચાઇ યોજના અંતર્ગત ગોધરા તાલુકાના છબનપુર, સામલી (કાલીયાવાવ) અને વાવડી ખૂર્દના કુલ 297 અસરગ્રસ્ત ખેડૂતો પૈકી 182 ખેડૂતોને જમીનના હુકમ અને ગામ નમૂના નંબર 7ને મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયા હતા. જેમાં છબનપુરના 89,સામલી (કાલીયાવાવ)ના 86 અને વાવડી ખૂર્દના 07 ખેડૂતોનો સમાવેશ થાય છે. હવે પછી બાકી રહેતા 115 ખેડૂતોને ટૂંક સમયમા તેમના હુકમ અને નમૂના નબર 7 વિતરણ કરવામાં આવશે.
આજના આ કાર્યક્રમમાં ગોધરા ધારાસભ્ય સી.કે.રાઉલજીએ જિલ્લા વહીવટી તંત્રની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, વર્ષો જૂના જમીન સ્થળાંતર પ્રશ્નના હુકમ અને ગામ નમૂના નબર 7ની આજે ફાળવણી થતા ખેડૂતોના ચેહરા પર ખુશી જોઈ શકાય છે. ફોરેસ્ટ વિભાગના કાયદા પ્રમાણે જમીનને બદલે જમીન ફાળવણી કરીને ખેડૂતોના હક્કો સુનિશ્ચિત કરી શક્યા છીએ. 43 વર્ષ જૂના આ પ્રશ્નનો નિરાકરણ આવતા વિસ્તારના ખેડૂતો સરકારની તમામ યોજનાઓનો લાભ મેળવી શકશે.
આ તકે જિલ્લા કલેકટર આશિષ કુમારે જણાવ્યું કે, તમામ વિભાગોના સંકલન અને સહિયારા પ્રયત્નો થકી જિલ્લા વહીવટી તંત્ર વધુમાં વધુ ખેડૂતોને મદદરૂપ થઈ શકે તે મુજબના પ્રયાસો કરીને જમીન ફાળવણીના પડતર પ્રશ્નનો નિકાલ કરાયો છે. હવે પછી ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સહિત સરકારી યોજનાઓ અને બેંક દ્વારા આપવામાં આવતી તમામ સહાયનો લાભ મેળવી શકશે.આ સાથે તેમણે કહ્યું કે, બાકી રહેતા ખેડૂતોના પ્રશ્નોનું ટૂંક સમયમાં નિરાકરણ લાવવામાં આવશે.
આજના આ કાર્યક્રમમાં પાનમ સિંચાઇ યોજનાના પંચાલ, સબંધિત અધિકારી, તલાટી, સરપંચ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.