ગોધરાના ભુરાવાવ સુભાષ જનરલ સ્ટોર્સમાં જીલ્લા પુરવઠા અધિકારીએ ચેકીંગ કરી 26 કટ્ટા સરકારી અનાજનો જથ્થો ઝડપ્યો

ગોધરા, ગોધરા ભુરાવાવ વિસ્તારમાં આવેલ સુભાષ જનરલ સ્ટોર્સ નામની દુકાનમાં જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા આકસ્મિક ચેકીંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન દુકાન માંથી ચોખા અને ધઉંના 26 કટ્ટા સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. ખાનગી દુકાનમાં પુરવઠા અધિકારીએ સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડતા સરકારી અનાજ સગેવગે કરતાં તત્વોમાં ફફડાટ જોવા મળ્યો છે.

પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા સરકારી સસ્તા અનાજની દુકાનો માંથી લાભાર્થી ગ્રાહકોના હકકનું અનાજ બારોબાર વેચી નાખી ગેરરીતિ આચરાતી હોય જેને લઈ જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા તમામ તાલુકાઓની સરકારી સસ્તા અનાજની દુકાનો ઉપર દરોડા કરવામાં આવ્યા હતા અને સરકારી અનાજની ગંભીર ગેરરીતિ સામે આવતાં અનેક સરકારી દુકાન સંચાલકોના પરવાના કાયમી રદ કરવામાં આવ્યા હતા. જ્યારે કેટલાક સરકારી દુકાનના સંચાલકોને ત્યાંથી ગેરરીતિ જણાઈ આવતાં 90 દિવસ માટે પરવાનો રદ કરવામાં આવ્યા હતા. જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા ગરીબ લોકો માટે આવતાં અનાજનો જથ્થો બારોબાર વેચીને ગરીબ લોકોના મોંએથી કોળીયો છીણવી લેતાં 8 ઈસમો વિરૂદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે આજરોજ ગોધરા શહેરના ભુરાવવા વિસ્તારમાં આવેલ સુભાષ જનરલ સ્ટોર્સ નામની દુકાનમાં જીલ્લા પુરવઠા અધિકારીએ આકસ્મિક ચેકીંગ કરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમિયાન દુકાન માંથી સરકારી અનાજમાં ચોખા કટ્ટા નંગ-16, અને ધઉંના કટ્ટા નંગ-10 મળી કુલ 26 કટ્ટા સરકારી અનાજનો જથ્થો જપ્ત કરી દુકાનદાર રવિકુમાર ચંદ્રકાંત વિરવાણી વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા સરકારી સસ્તા અનાજની દુકાનોના સરકારી અનાજ રાખતા વેપારી સામે કાર્યવાહી કરવામાં આવતાં ગોધરામાં અન્ય દુકાનદારો જે સરકારી અનાજનો જથ્થો ખરીદતા હોય તેવા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.