ગોધરા મોક્ષધામના રિડેવલપમેન્ટ કામગીરીમાં બગીચામાં માર્બલને બદલે પ્લાસ્ટિકના સ્ટેચ્યુ ઉભા કરાયા

ગોધરા નગરપાલિકા દ્વારા બહારપુરા વિસ્તારમાં આવેલા સ્મશાનની જગ્યામાં સુંદર બગીચો બનાવવાની કામગીરી ‘મોક્ષધામ ગાર્ડન રિડેવલપમેન્ટ’ નામથી વર્ષ-2022થી શરૂ કરાઈ હતી. જે કામગીરીમાં ભારે ગેરરિતી આચરવામાં આવી હોવાની લોકબુમો ઉઠવા પામી છે.

ગોધરા નગરપાલિકા દ્વારા ઓકટો-2022માં ‘મોક્ષધામ ગાર્ડન રિડેવલપમેન્ટ’ની કામગીરી કોન્ટ્રામટર પાસેથી કરાવવા માટે રૂ.50 લાખની અંદાજિત કિંમતે કામગીરી સોંપી હતી. જે કામગીરી અંતર્ગત કોન્ટ્રાકટરે બે મેઈન ગેટ, પેવર બ્લોકની પગદંડી, બગીચા કામગીરી, પોલ ઉપર એલઈડી લાઈટ, ટોયલેટ બ્લોક, પાણીની ટાંકી, ડસ્ટબીન, વોચમેન કેબિન, માર્બલની મુર્તિ, રેઈન વોટર હાર્વેસ્ટિંગ, વોટર સંપ, પીવીસી પાઈપલાઈન વગેરે કામગીરી કરવાની હતી. જે કામગીરી અંતર્ગત કોન્ટ્રાકટરે મીરાંબાઈ, હનુમાનજી, ભગવાન શંકર અને ભગવાન બુદ્ધ સહિત કુલ 6 મુર્તિઓ માર્બલની બનાવીને મુકાવાની હતી. આ મુર્તિઓ પેટે પાલિકા કોન્ટ્રાકટરને રૂ.10 લાખ ચુકવવાની હતી. પરંતુ કોન્ટ્રાકટરે માર્બલના બદલે પ્લાસ્ટિકની મુર્તિઓ બનાવી કલરકામ કરાવીને સ્થાપિત કરી દીધી છે. આમ તદ્દન મામુલી કિંમતની મુર્તિઓ મુકીને કોન્ટ્રાકટરે પાલિકા પાસેથી મુર્તિઓ પેટે રૂ.9,88,400/-પણ લઈ લીધા છે. જેનો ભાંડો ફુટતા હવે નગરપાલિકા દ્વારા ‘મોક્ષધામ ગાર્ડન રિડેવલપમેન્ટ’ના નામે રૂ.50 લાખના ખર્ચે કરાયેલી અન્ય કામગીરી સામે પણ શંકા સેવાઈ રહી છે. ત્યારે આ બાબતે જિલ્લા કલેકટર તજજ્ઞોની ટીમ બનાવી તમામ કામોની તપાસ કરાવે તેવી શહેરીજનોની માંગ ઉઠી છે.