ગોધરા મોદીની વાડી નં.1ના રહેણાંક મકાનમાં ચાલતા ગેરકાયદેસર R.O. પ્લાન્ટને લઈ રહિશો હેરાન થતાં જીલ્લા કલેકટર અને પાલિકા ચીફ ઓફિસરને લેખિત રજુઆત

  • R.O.પ્લાન્ટ માંથી રસ્તા ઉપર પાણી છોડતા મચ્છરજન્ય રોગચાળાનો ભય.
  • રસ્તા ઉપર વાહનોની અવરજવરને લઈ બાળકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

ગોધરા,

ગોધરા શહેર મોદીની વાડી નં.1 રહેણાંંક વિસ્તારમાં તેમજ રહેણાંક મકાનમાં ગેરકાયદેસર R.O. પ્લાન્ટને કારણે રહેતા રહિશો પરેશાન થઈ રહ્યા છે. R.O. પ્લાન્ટ માંંથી પાણી રોડ ઉપર છોડવાના કારણે મચ્છરજન્ય રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. ત્યારે આ ગેરકાયદેસર R.O. પ્લાન્ટને બંંધ કરવામાં આવે તેવી માંંગ સાથે રહિશો દ્વારા જીલ્લા કલેકટર, આરોગ્ય વિભાગ તેમજ નગર પાલિકામાં લેખિત રજુઆત કરવામાં આવી છે.

ગોધરા મોદીની વાડી નં.1 માં હાલમાં રહેણાંક મકાન લલીતભાઈ નારણદાસ ચીપાએ વેચાણ રાખેલ છે. રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે વાણિજય હેતુથી સાવન મિનરલ વોટર નામથી R.O. પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. છ.ઘ. પ્લાન્ટના માધ્યમના વ્યવસાયથી ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીનો સપ્લાય કરવામાં આવે છે.R.O. પ્લાન્ટ ચલાવતા વ્યવસાહિક દ્વારા કોઈપણ જાતની કાયદાકીય પરવાનગી લીધા વગર પાણીનો પ્લાન્ટ ચલાવે છે. છ.ઘ. પ્લાન્ટ પાસેના રસ્તા ઉપરથી સ્થાનિક રહિશો અવરજવર કરતા હોય છે. ત્યારે R.O. પ્લાન્ટ માંથી રાત્રીના સમયે પાણી રસ્તા ઉપર છોડવામાં આવે છે. જેના કારણે રહિશોને તકલીફ વેઠવી પડે છે. પ્લાન્ટનું પાણી રસ્તા ઉપર છોડવામાં આવતાં આ વિસ્તારમાં રહેતા વડિલો તેમજ નાના બાળકોને અવરજવરમાં મુશ્કેલીઓ પડે છે. પાણીના R.O. પ્લાન્ટને લીધે વાહનોની અવરજવર વધતા વહેલી સવારે અને રાત્રીના સમયે ઉંંધમાં પણ તકલીફ પડે છે. R.O. પ્લાન્ટમાં પાણી સપ્લાય માટે દિવસ દરમિયાન વાહનોની અવરજવરને લઈ બાળકો પણ ધર આંગણે રમી શકતા નથી. કારણ કે, આવા વાહનોની અવરજવરને લીધે અકસ્માતનો ભય સતાવે છે. આ R.O. પ્લાન્ટ માંથી છોડવામાં આવતું પાણી રસ્તા ઉપર ભરાઈ રહેવાના કારણે મચ્છરજન્ય રોગ ડેન્ગ્યુ, મેલેરીયા, ચિકનગુણીયા જેવા રોગ થવાની શકયતા રહેલી છે. સ્થાનિક રહિશોનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાય તે પહેલા પરવાનગી વગર ગેરકાયદેસર રીતે રહેણાંક મકાનમાં વ્યવસાહિક ધંધો કરવા માટે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે મોદીની વાડી નં.1ના રહિશો દ્વારા પંચમહાલ જીલ્લા કલેકટર, જીલ્લા આરોગ્ય અધિકારી અને ગોધરા પાલિકા ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરવામાં આવી છે. ત્યારે જોવું રહ્યું કે, રહેણાંક વિસ્તારમાં ચાલતા R.O. પ્લાન્ટની સામે કાર્યવાહી કરવામાં આવે છે કે નહિં.