ગોધરાના MLA સી.કે. રાઉલજીને મળી જાનથી મારી નાંખવાની ધમકી : ગુંડાએ ૫૦ વખત કર્યા ફોન

ચૂંટણીની અદાવતને લઇ ગોધરાના ભાજપના ધારાસભ્ય સી.કે. રાઉલજીને જાનથી મારી નાંખવાની ટેલિફોનિક ધમકી મળતા ખરભરાટ મચી જવા પામ્યો છે. આ મામલે ધારાસભ્યના પુત્રએ ધમકી આપનાર શખ્સ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજીને ગોધરાના જ વાવડી ખુર્દ ગામના પ્રવિણ ચારણ નામના વ્યક્તિ દ્વારા ફોન પર બિભસ્ત ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા ધારાસભ્યના પુત્ર દ્વારા ગોધરા તાલુકા પોલીસ મથકે સમગ્ર બાબતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજીના ફોન પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યા હતા. જે અજાણ્યા નંબર પરથી વાત કરનાર ઈસમે પોતે વાવડી ખુર્દ ગામનો હોવાનું જણાવી ધારાસભ્યને જણાવ્યું હતું કે, અમારા મતોથી તમે ચૂંટણીઓ જીતો છો. માટે અમે કહીએ એ અમારા કામો કરવા પડશે, નહીંતર તમને અમારા ગામમાંથી નિકળવા દઈશું નહીં અને જાતિવાચક શબ્દોનું ઉચ્ચારણ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.

ધમકી આપનાર શખ્સ દ્વારા ધારાસભ્યને 70થી વધુ વખત ફોન કરી આ પ્રકારની ધમકી આપતા ધારાસભ્યના પુત્ર દ્વારા પ્રવિણ ચારણનો સંપર્ક કરતા તેને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. સમગ્ર બાબતની ગંભીરતાને ધ્યાને લઈને ધારાસભ્યના પુત્ર માલવદીપસિંહ રાઉલજી દ્વારા ગોધરા તાલુકા પોલીસ મથકે ગોધરા તાલુકાના વાવડી ખુર્દ ગામના પ્રવીણ ચારણ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આ મામલે ગોધરાના ધારાસભ્ય સી.કે રાઉલજી દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, તેમને ધમકી આપનાર વ્યક્તિએ અગાઉ પણ તાલુકા પંચાયતની ચૂંટણી વખતે ટિકિટની માંગણીને લઈને તેમની સાથે ફોન પર આ પ્રકારની ધમકીઓ આપી હતી. તે વખતે માનવતા દાખવી કોઈ ફરિયાદ કે અરજી તેમના દ્વારા કરવામાં આવી ન હતી પરંતુ બીજી વખત જાનથી મારી નાખવાની ધમકી આ પ્રવીણ ચારણ દ્વારા દારૂ પીધેલી અવસ્થામાં આપવામાં આવી છે. જે અનુસંધાને પોલીસ ફરિયાદ નોંધાવી છે.

સમગ્ર મામલે ગોધરા તાલુકા પોલીસ મથકે પ્રવિણ ચારણ સામે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે અને પ્રવિણને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા સઘન તપાસ-કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગોધરાના ધારાસભ્યને 2 વર્ષ પૂર્વે રવિ પૂજારી ગેંગ દ્વારા પણ ધમકી આપવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.