ગોધરામાંથી ચાર લાખ ડુપ્લીકેટ નોટ સાથે બેની ધરપકડ કરવામાં આવી

દેશના અર્થતંત્રને નુકશાન પહોંચે એવી પ્રવૃતિ કરનારા બે શખ્સોની ધરપકડ કરવામાં પંચમહાલ એલસીબીને સફળતા મળી છે. ગોધરાના પોલીટેક્નિક કોલેજ રોડ ઉપરથી ભારતીય બનાવટની ૫૦૦ની ૮૦૦ નકલી ચલણી નોટો સાથે એલસીબીએ બે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી બે ટુવ્હીલર અને બે મોબાઈલ ફોન કબ્જે લઈ કુલ ત્રણ આરોપીઓ સામે ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ઝડપાયેલા આરોપીઓમાં એક વડોદરા અને બીજા ગોધરાના આરોપીનો સમાવેશ થાય છે.હાલ એસઓજી દ્વારા આરોપીઓ નકલી ચલણી નોટો ક્યાંથી લાવ્યા અને કોને આપવાની હતી સહિતની વધુ તપાસ માટે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી વોન્ટેડ આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

બનાવની વિગતો જોઈએ તો, પંચમહાલ જિલ્લામાં દેશદ્રોહી પ્રવૃતીઓ આચરતા ઇસમો ઉપર વોચ રાખવા માટે રેન્જ આઈજી અને જીલ્લા પોલીસવડા દ્વારા એલસીબીને સૂચના આપવામાં આવી છે. દરમિયાન એલસીબીમાં ફરજ બજાવતાં એએસઆઈ જયદીપસિંહને ડુપ્લીકેટ ચલણી નોટો લઈ બે શખ્સો દયાલ કસ્બા તરફથી આવી આરટીઓ રોડ તરફ જઈ રહ્યા ટુ વ્હીલર ઉપર આવી રહ્યા હોવાની બાતમી મળી હતી. જે બાતમી આધારે એલસીબી દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી.

એક ઇસમ હીરો પેશન પ્રો મોટર સાયકલ ઉપર તથા બીજો હીરો પ્લેઝર સ્કુટી ગાડી લઈ આવતાં ટીમે અટકાવી તપાસ કરી દરમિયાન બંને આરોપીઓની તપાસ કરતાં બંને પાસેથી ભારતીય બનાવટની ૮૦૦ ચલણી નોટના બંડલ મળી આવ્યા હતા.જેથી પોલીસે કબ્જે લઈ બેક્ધના અધિકારીઓ મારફતે વેરીફાઈ કરાવતાં ચલણી નોટો ડુપ્લીકેટ હોવાનું જણાય આવ્યું હતું. જેથી પોલીસે ચાર લાખ કિંમતની ડુપ્લીકેટ ચલણી નોટ મળી આવવા મુદ્દે ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે ત્રણ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે.