ગોધરા નજીક આવેલ મકનકૂવા વિસ્તારમાં આવેલી વીજ ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે શોર્ટ સર્કિટ થતાં અફરાતફરી મચી

ગોધરા શહેરમાં ગઈકાલે મોડી રાત્રે ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. ત્યારે ગોધરા નજીક આવેલ મકનકૂવા વિસ્તારમાં આવેલી વીજ ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે શોર્ટ સર્કિટ થતા અફડા તફડી મચી જવા પામી હતી. અને ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાયો હતો.

ગોધરા શહેરના મકનકૂવા વિસ્તારમાં આવેલા વીજ ટ્રાન્સફોર્મરમાં ગઈકાલે મોડીરાતે ઝરમર વરસાદ વચ્ચે ધડાકા સાથે શોર્ટ સર્કિટ થયું હતું. આ ઘટનામાં વીજ ડીપી જાણે આગમાં લપેટાઈ ગઈ હોય તેવા દૃશ્યો સામે આવ્યા હતા. દિવાળીના ફટાકડા ફૂટી રહ્યા હોય તેમ તણખલા ઝરતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ શોર્ટ સર્કિટ થયા બાદ સમગ્ર વિસ્તારમાં વીજપુરવઠો બંધ થતાં અંધારપટ છવાયો હતો. લોકોને લાઈટ વિના રહેવાનો વારો આવ્યો હતો, તો આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશ્યલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં વીજ ટ્રાન્સફોર્મરમાં લાગેલી આગ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. રાહતની વાત એ છે કે ઘટનાની જાણ થતાં જ નજીકથી લોકો દૂર ચાલી જતાં કોઈ જાનહાનિ થઈ ન હતી.