ગોધરા મામલતદાર કચેરીમાં ઉપયોગમાં ન લેવાતાં રેશનકાર્ડને ઓવરરાઈટ કરીને બીપીએલ કાર્ડમાં તબદીલ કરનાર બે કોમ્પ્યુટર ઓપરેટર સામે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવાઇ

પ્રાપ્ત માહિતી મુજબ ગોધરા શહેરના ગેની પ્લોટ વિસ્તારમાં રહેતા રિઝવાન ઇસહાલ કલંદર નામના અરજદાર દ્વારા અલગ અલગ તારીખો દરમ્યાન ગોધરા મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે ગોધરા મામલતદાર કચેરીમાં કેટલાક બીપીએલ કાર્ડ અને અંત્યોદય કાર્ડ ઉપયોગ વિનાના હતા, તેમાં મૂળ કાર્ડધારકના નામની જગ્યાએ અન્ય ઈસમોના નામ ઓવરરાઈટ થયા છે અને આ કાર્ડ સક્રિય કરવામાં આવ્યા છે, જેથી જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેમ જણાવવામાં આવ્યું હતું, જેને લઇને મામલતદાર કચેરી દ્વારા ઓવરરાઈટ કાર્ડની યાદીની ઓનલાઈન તપાસ કરવામાં આવી હતી,

જેમાં અમુક કાર્ડ રેશન કાર્ડ ઓવરરાઈટ થયા હતા, કેટલાક રેશન કાર્ડ બરાબર હતા, આ તમામ રેશન કાર્ડ લાંબા સમયથી સાયલેન્ટ એટલે કે અનયૂઝડ હતા, જેથી જે તે વખતે આ રેશનકાર્ડમાં મૂળ કાર્ડધારકની જગ્યાએ અન્ય કાર્ડધારકનું નામ દાખલ કરીને કાર્ડ ઓવરરાઈટ કરીને પુનઃ સક્રિય કરીને બીપીએલ/ અંત્યોદય રેશનકાર્ડ મળતા અનાજ મેળવવાનું ચાલુ કરીને ગુનો આચરવામાં આવ્યો હતો, જેને લઇને પુરવઠા વિભાગના નાયબ મામલતદાર દ્વારા તત્કાલિન મામલતદારનું ધ્યાન દોરતાં ઓપરેટર તરીકે કાર્યરત રાવલ ઈલેશકુમાર સુરેશભાઈ અને સૈયદ સુહેલ મોહમ્મદ અબ્દુલ મોઅતીની મૌખિક પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, જેમાં બંને ઓપરેટરે આ કૃત્ય નાયબ મામલતદારની જાણ બહાર કર્યાની તેઓના નાયબ મામલતદાર સમક્ષ લેખિત કબૂલ કર્યું હતું, જેથી કચેરીની કામગીરીમાંથી બંને ઓપરેટરને દુર કરવામાં આવ્યા હતા, સૈયદ સુહેલ મોહમ્મદ અબ્દુલ મોઅતી વર્ષ ૨૦૦૫ થી જ્યારે રાવલ ઈલેશકુમાર સુરેશભાઈ વર્ષ ૨૦૧૮ થી મામલતદાર કચેરીમાં ઓપરેટર તરીકે કરાર આધારિત ફરજ બજાવતા હતા, રેશન કાર્ડ ઓવરરાઈટ થયેલા હોવાથી તા ૨૨ જુલાઈ ૨૦૨૩ થી ઓવર રાઈટ થયેલા રેશનકાર્ડ ગોધરા મામલતદાર દ્વારા હુકમ ક્રાઇમ રદ્દ કરવામાં આવ્યા હતા, જ્યારે ગોધરા મામલતદાર કચેરીના પુરવઠા નાયબ મામલતદાર ના સરકારી લોગઈનની ગુપ્ત સરકારી માહિતી અરજદારને કંઈ રીતે પ્રાપ્ત થઈ છે અને કોનાં દ્વારા આ માહિતી મેળવવામાં આવી છે, માહિતીની અરજદારને જરૂરિયાત શા માટે ઉદભવી છે, જેને લઇને પણ મામલતદાર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા, સમગ્ર મામલે તા ૧૨ એપ્રિલ શુક્રવારે રાત્રે આઠ કલાકે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે બંને ઓપરેટર સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.