ગોધરા પાલિકાના વોર્ડ નં.-1ના ખાડી ફળિયા હનુમાન ચોક પાસે ખાડો ખોદી પુરવામાં નહિ આવતા સ્થાનિકોએ ખાડામાં ઉભા રહી વિરોધ વ્યકત કર્યો

ગોધરા,ગોધરા પાલિકાના વોર્ડ નં.-1 અમદાવાદ હાઈવે રોડ પાસે આવેલ ખાડી ફળિયા હનુમાન ચોક પાસે છેલ્લા ત્રણ મહિનાથી મસમોટો ખાડો પડેલ હોય આ બાબતે પાલિકાને અવાર નવાર રજુઆતો કરવા છતાં ખાડો પુરવામાં નહિ આવતા સ્થાનિક રહિશોનો ખાડામાં ઉભા રહી વિરોધ કરવામાં આવ્યો. તેમજ પીવાના પાણીની સમસ્યાનુ સમાધાન ન થાય તો લોકસભા ચુંટણીમાં સ્થાનિક લોકોએ મતદાન કરવા માટે વિરોધ પણ કરી શકે છે.

ગોધરા નગરપાલિકાના વોર્ડ નં.-1ના ખાડી ફળિયા વિસ્તારના પાલિકા ઉપપ્રમુખ હોવા છતાં ખાડી ફળિયા હનુમાન ચોક પાસે છેલ્લા ત્રણ મહિનાથી મસમોટો ખાડો પડેલ છે. આ ખાડો પુરવા માટે પાલિકા સ્થાનિકો દ્વારા અવાર નવાર રજુઆતો કરવામાં આવી હોય તેમ છતાં ખાડો પુરવામાં આવ્યો નથી. ખાડો કર્યા બાદ પુરવામાં આવ્યો ન હોવાથી મોટા અકસ્માતની ભિતી સેવાઈ રહી છે. પાલિકામાં વારંવારની રજુઆતો બાદ પણ ખાડો પુરવામાં આવ્યો ન હોય જેને લઈ સ્થાનિકો દ્વારા ખાડામાં ઉતરીને વિરોધ કરવામાં આવ્યો છે.વોર્ડ નં.1ના ખાડી ફળિયા વિસ્તારમાં રોડ-રસ્તા અને પીવાના પાણીની વિકટ સમસ્યાનુ સમાધાન કરવામાં આવતુ નથી. જેને લઈ 7મેના રોજ યોજાનાર લોકસભાના મતદાન ન કરવા માટે સ્થાનિકો વિરોધ કરી શકે છે.

જયારે આ બાબતે પાલિકા ચીફ ઓફિસર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. ચિત્રા ખાડી વિસ્તારમાં વરસાદી પાણી નિકાલ માટે આ લાઈનમાં જોઈન્ટ આપવા માટે ખાડો ખોદવામાં આવ્યો હતો. એક સપ્તાહમાં કોન્ટ્રાકટર દ્વારા ચેમ્બર લાઈનમાં સાફસફાઈ બાદ ખાડો પુરી દેવામાં આવશે.