ગોધરામાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો:ચૂંદડી ગામ પાસે સોયાબીનની ગુણોમાં છુપાવેલો 66 લાખનો દારૂ જપ્ત, એક આરોપીની અટકાયત, બે વોન્ટેડ જાહેર

ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસે ગોધરા તાલુકાના ચૂંદડી ગામ પાસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે રાજસ્થાનથી દેવભૂમિ દ્વારકા લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.હાઈવે પરથી પસાર થતી એક ટ્રકમાં તપાસ કરતા સોયાબીનની ગુણોની આડમાં છુપાવેલો રૂ.66.57 લાખની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ટ્રકના ચાલક રાજુ ખીમાભાઈ મોરીની અટકાયત કરી છે.

આ કેસમાં રાજસ્થાનથી દારૂનો જથ્થો મોકલનાર અને ટ્રકમાલિક ભાવેશ મેરામણ કોડિયાતર તેમજ દારૂનો જથ્થો મંગાવનાર રાજુ અમરાભાઈ કોડિયાતર વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. તેમની સામે ગોધરા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.સ્ટેટ મોનીટરીંગ સેલે દારૂ ઉપરાંત અન્ય સાધનો મળી કુલ રૂ. 97 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ અંગેની માહિતી 25 માર્ચના રોજ પ્રાપ્ત થઈ હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.