ગોધરા કસ્બાની વડીલો પાર્જીત જમીન પચાવી પાડતા 3 ઈસમો સામે લેન્ડગ્રેબિંગનો ગુનો નોંધાયો.

ગોધરા શહેરના રિક્ષાચાલકની વડીલોપાર્જિત જમીનમાં ચાર ઈસમોએ ગેરકાયદેસર કબજો જમાવીને જમીન પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો.સમગ્ર મામલે તપાસ બાદ ત્રણેય ઈસમો સામે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે લેન્ડ ગ્રેબિંગના ગુના અંતર્ગત ફરિયાદ નોંધાવા પામી છે.

ગોધરા શહેરના વેજલપુર રોડ પર આવેલી મુસ્લિમ એ સોસાયટીમાં રહેતા અબ્દુલ્લા અબ્દુલગફફાર બક્કરએ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે ગોધરા કસ્બામાં તેઓની વડીલોપાર્જિત ખેતીની જમીન આવેલી છે.જે જમીનમાં સીધીલીટીના વારસદાર તરીકે તેઓનું તથા તેઓના સંબંધીઓના નામ છે. આ જમીનમાં ફરહાન ફારૂક બક્કર ઉર્ફે ગટલા,અનવર અબ્દુલ રહીમ બક્કર,ઐયુબ અબ્દુલ રહીમ બક્કર, અને અબ્દુલમજીદ અબ્દુલરહીમ બક્કર નામના ઈસમોએ ખોટો હક દાવો કરી વારસાઈ કરાવી જમીનમાં નામો દાખલ કરાવ્યા હતા.જેથી અબ્દુલ્લા અબ્દુલગફફાર બક્કરએ સીધીલીટીના વારસદાર તરીકે ગોધરાની પ્રિન્સીપાલ સીનીયર સીવીલ જજની કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો.

જેનો ચુકાદો ત્રણ વર્ષ અગાઉ અબ્દુલ્લા અબ્દુલગફફાર બક્કરના પક્ષમાં આવ્યો છે.જે હુકમ સામે ચારેય ઈસમો દ્વારા ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં અપીલ દાખલ કરીને પ્રિન્સીપાલ સીનીયર સીવીલ જજના હુકમનો અનાદર કરી હુકમ થયા પછી પણ અબ્દુલ્લા અબ્દુલગફફાર બક્કરની જમીનમાં ચારેય ઈસમોએ  ગેરકાયદેસર કબજો કરીને તેઓને ખેતી કરવા ન દઈને ખોટી રીતે હેરાન પરેશાન કરતા હતા.જેને લઇને અબ્દુલ્લા અબ્દુલગફફાર બક્કરએ રેવન્યુ ખાતામાં ઓનલાઈન અરજી કરી હતી.જે અરજીના આધારે રચાયેલ સમિતી ધ્વારા તપાસ કરતા આ ફરહાન ફારૂક બક્કર ઉર્ફે ગટલા, અનવર અબ્દુલ રહીમ બક્કર ,ઐયુબ અબ્દુલ રહીમ બક્કર, અને અબ્દુલમજીદ અબ્દુલરહીમ બક્કર નામના ઈસમોએ  ગેરકાયદેસર રીતે ખેતીની વિવાદી જમીન અનઅધિકૃત રીતે પચાવી પાડવા અને કબ્જો કરવાનું કૃત્ય કર્યાનું ફલીત થયું હતું.જેને લઇને તમામ ચારેય ઈસમો સામે તા ૧૩ એપ્રિલના રોજ લેન્ડ ગ્રેબિંગના કાયદા હેઠળ ફરિયાદ નોંધાવા પામી છે.