
ગોધરા શહેરના ગેની પ્લોટ ઉંમર મસ્જિદ પાસે બે બાઈક સામસામે અથડાતા એક બાઈક ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. જેથી બંને બાઈક ચાલક વચ્ચે ઉગ્ર બોલચાલી થઈ હતી. જે બનાવને લઈને બે જેટલા ઈસમો સમાધાન કરવા માટે તે ચાલકના ઘરે ગયા હતા. ત્યારે સામેવાળા ઈસમે આવેશમાં આવીને બંને ભાઈઓ ઉપર તલવાર વડે હુમલો કરી ઇજાગ્રસ્ત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે સમગ્ર બનાવને લઈને ગઈકાલે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી .પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવ સંદર્ભે ગોધરા શહેરના મક્કી મસ્જિદ પાસે રહેતા ઇરફાન રમઝાની ભોચું પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.18/09/2024ના રોજ સાંજના છ વાગ્યાના અરસામાં પોતાના કામ અર્થે પોતાની મોટર સાઇકલ લઇ બજારમાં આવ્યા હતા. ત્યારે ગોધરા જકાત નાકા પાસે ફેસલ મુસ્તાક ઢુંડીયાની મોટર સાઇકલ સાથે મારી મોટ૨ સાઇકલ અડી જતાં મારે તથા ફેસલ મુસ્તાક ઢુડીયાને સામાન્ય બોલાચાલી થઈ હતી.

તે પછી હું મારા ઘરે આવી ગયો હતો. ત્યાર બાદ સાતેક વાગ્યાના અરસામાં ફેસલ મુસ્તાક ઢુડીયાનો મારા ફોન ઉપર ફોન આવ્યો હતો અને મને સમાધાન બાબતે તેના ઘરે ગેની પ્લોટ ઉમર મસ્જીદ પાસે બોલાવ્યો હતો. જેથી મે મારા મિત્ર જાબી૨ ફારૂક ભોલને ફોન કરી કહ્યું કે, મારી મોટર સાઇકલ ફેસલની મોટર સાઇકલ સાથે અડી ગઈ છે, જે બાબતે અમારે સમાધાન કરવાનું છે. જેથી હું ફેસલના ઘરે જાવ છું. તો તું મારા ભાઈ સુફીયાનને લઇને ફેસલ મુસ્તાક ઢુડીયાના ઘરે આવે તેમ કહી દેજે. હું આશરે સાડા સાતેક વાગ્યે ફેસલ મુસ્તાક ઢુડીયાના ઘરે ગયો અને મોટર સાઇકલ અડી જવાની બાબતે સમાધનની વાત ચાલતી હતી.
તે વખતે મારો મિત્ર જાબીર તથા મારો ભાઇ સુફીયાન ત્યાં આવી પહોંચ્યા હતા. તે વખતે ફેસલ એકદમ ઉશ્કેરાઇ જઇ ઘરમાંથી તલવાર લઇ અને મારા ભાઈ સુફીયાનને માથાના ભાગે મારી દીધી હતી. જેથી મારો ભાઇ જમીન ઉપર ઢળી પડ્યો હતો. હું છોડાવવા વચ્ચે પડતા ફેસલે મને માથાના ભાગે તલવાર મારી જમીન ઉપર પાડી દીધો હતો.
મને ગડદાપાટુંનો માર મારી જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જ્યારે લોહીથી લથપથ મને તથા મારાભાઇને મારો મિત્ર જાબીર તથા મારોભાઈ અનસ મોટર સાઇકલ ઉપર બેસાડી ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે દવાસારવાર માટે લઇ ગયા અને ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. સારવાર માટે દાખલ હોવાથી ગઈકાલે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકમાં ફેસલ મુસ્તાક ઢુડીયાના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરી હતી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.