ગોધરા શહેરના સોનીવાડ વિસ્તારમાં બે ઈસમો પોલીસ હોવાનું જણાવી આંગડિયા પેઢીના કર્મચારીને આંતરીને બે સોનાના પાર્સલ લઇને ફરાર

ગોધરા શહેરના સોનીવાડ વિસ્તારમાં બે ઈસમો દ્વારા પોલીસ હોવાનું જણાવી આંગડિયા પેઢીના કર્મચારીને આંતરીને બે સોનાના પાર્સલ સેરવીને ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવા પામી છે

પ્રાપ્ત માહિતી મુજબ શહેરા તાલુકાના નાથુજીના મુવાડા ગામે રહેતા જીતેન્દ્રસિંહ રતનસિંહ સોલંકી ગોધરા ખાતે આવેલી કે અશ્વિનકુમાર એન્ડ કંપની નામની આંગડિયા પેઢીમાં ફરજ બજાવે છે, જેમાં તેઓએ અમદાવાદથી-ગોધરા અને ગોધરાથી-અમદાવાદ પાર્સલ લાવવા-લઈ જવાનું કામ કરે છે. ગત 12 તારીખે સવારના સમયે જીતેન્દ્રસિંહ સોલંકી અમદાવાદથી સોના-ચાંદીના દુકાનની સાત પાર્સલ લાવ્યા હતા. જે પાર્સલ તેઓએ ગોધરા શહેરના સોનીવાડ વિસ્તારમાં આવેલી આંગડિયા પેઢીમાં આપ્યા હતા. જ્યાંથી તેઓ જવેલર્સની દુકાનના પાર્સલ આપવા નીકળ્યા હતા. ત્યારે 12 તારીખે શુક્રવારના રોજ સવારના સાડા અગિયાર વાગ્યાના અરસામાં સોનીવાડમાં એક ઈસમે તેઓને બૂમ પાડીને ઊભા રાખ્યા હતા, બંને ઈસમોએ જીતેન્દ્રસિંહને સોનીવાડમાં આવેલી એક ગલીમાં લઇ ગયા હતા.

બે પૈકીના એક ઈસમે જણાવ્યું હતું કે, તારી બેગમાં શું છે,અત્યારે માહોલ ગરમ છે. જેથી ડ્રગ તો નથીને તેમ ચેક કરવું પડશે, તેમ કહેતા જીતેન્દ્રસિંહએ બેગ ખોલવાની ના પાડી હતી. જે દરમ્યાન એક ઈસમે તેની પાસે રહેલું ઓળખકાર્ડ બતાવ્યું હતું અને જણાવ્યું હતું કે, અમે પોલીસ જ છીએ, તેમ કહેતા જીતેન્દ્રસિંહએ કાળા કલરનો થેલો ખોલીને બતાવતા એક ઇસમ ઈસમે જીતેન્દ્રસિંહના નાક સુધી હાથ લાંબો કરીને થેલો દેખ્યો હતો અને જણાવ્યું હતું કે આમા કઈ શંકાસ્પદ નથી, તું જઇ શકે છે. જે બાદ જીતેન્દ્રસિંહ એક જવેલર્સ પર જઈને થેલો ખોલીને જોતા અંદર રહેલા બે અલગ અલગ જવેલર્સના રૂ. 2.04 લાખ અને રૂ. 5 હજારના પાર્સલ જોવા મળ્યા ન હતા. જેથી જીતેન્દ્રસિંહ તે જ જગ્યા પર જતા બંને ગઠિયાઓ ફરાર થઈ ગયા હતા. આમ બે ગઠિયાઓ પોલીસ હોવાનું જણાવીને આંગડિયા પેઢીના કર્મચારીને આંતરીને સોનાના બે પાર્સલ લઈને ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.