શિવજીની સવારી : ગોધરામાં શિવરાત્રીએ શિવજીની સવારીમાં હર હર મહાદેવના નાદથી માર્ગો ગુંજી ઉઠ્યાં.

ગોધરા સહિતના પંચમહાલ જિલ્લામાં આવેલા શિવજી મંદીરોમાં મહાશિવરાત્રીની ધાર્મિક માહોલ વચ્ચે ઉજવણી કરાઇ હતી. પંચમહાલ જિલ્લો શિવમય બની ગયો હતો. વહેલી સવારથી ભક્તોની ભીડ શિવાલયો ઉપર ઉમટી પડી હતી. શિવજીની પુજા અર્ચના કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ગોધરાના અંકલેશ્વર મહાદેવ , લાલબાગ મંદિર, રામેશ્વર મહાદેવ , ઓમકારેશ્વર મહાદેવ , મહેશ્વર સહિતના મંદિરોમાં ભક્તોએ શિવજીની પુજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. પંચમહાલ જિલ્લામાં શિવરાત્રીને અનુલક્ષીને ઠેર ઠેર શિવાલયો ખાતે મેળાઓનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું. સાંજે શિવયાત્રા નિકળી હતી. શિવાલયોમાં મોડી રાત્રે 12 કલાકે મહાઆરતી યોજાઇ હતી. જિલ્લાના હાલોલ, કાલોલ, શહેરા, ઘોઘંબા સહિતના તાલુકા મથકે તથા ગામોમાં આ વેલા શિવ મંદિરોમાં પણ મોટીમાં ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા.

દાહોદ. મહા શિવરાત્રીના પાવન પર્વે શુક્રવારે દાહોદ શહેરના નાગેશ્વર મહાદેવ, નિલકંઠેશ્વર મહાદેવ, વૈજનાથ મહાદેવ, મનકામેશ્વર મહાદેવ, દુધેશ્વર મહાદેવ, સોમેશ્વર મહાદેવ, ત્રંબકેશ્વર મહાદેવ સહિતના શિવાલયોમાં સવારથી ભક્તોની કતારો જોવા મળી હતી. દાહોદની આસપાસના કાળીડેમ સ્થિત શ્રી કેદારનાથના મંદિર, રળિયાતી, બાવકા સ્થિત શિવ પંચાયત મંદિર, ગરબાડાના દેવધા શિવ મંદિરે અને દેવઝરી મુકામે આવેલ શિવાલયમાં પણ મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શક્કરિયાનું મોટા પાયે વેચાણ થયું હતું. તો અનેક સ્થળોએ ઠંડાઈનું વેચાણ પણ થયું હતું. શિવરાત્રિના પર્વે રળિયાતી મુકામે ખાન નદી અને દૂધીમતિના પવિત્ર સંગમે, ચોસાલામાં કેદારનાથ મહાદેવ મંદીર અને બાવકામાં શિવ પંચાયતન મંદીરે મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. તમામ શિવ મંદીરો ઉપર મોડી સાંજ સુધી ભક્તોની ભીડ જોવા મળી હતી.