ગોધરા શહેરના જાણીતા અને સામાજીક સેવામા જેઓ મોખરાનુ સ્થાન ધરાવે છે તેવા અગ્રણી જૈનુદ્દીન વલીનુ 91 વરસની ઉંમરે અવસાન થતા ગોધરાના નગરજનોમાં ભારે શોખની લાગણી વ્યાપી ગઈ છે. વરસોથી સામાજીક સેવા સાથે સંકળાયેલા જૈનુદ્દીન વલીએ પોતાના અવસાન બાદ મૃતદેહને દેહદાન કરવામા આવે તેવી ઈચ્છા રાખી હતી. આથી તેમના પરિવારજનો દ્વારા દાહોદથી ઝાયડસ મેડીકલ કોલેજને આપવામાં આવ્યો હતો.
ગોધરા નગરમાં સામાજિક સેવા ક્ષેત્રે કામગીરી કરનાર જૈનુદ્દીન વલીનું 91 વર્ષની ઉમરે આજે વહેલી સવારે અવસાન થયું હતું. તેમની મરણોતર ઈચ્છા મુજબ તેમના મૃતદેહને પરિવારજનો દ્વારા દાહોદ ઝાયડ્સ મેડીકલ કોલેજને અર્પણ કરવામાં આવ્યો હતો. મૃતદેહનો ઉપયોગ તબીબી શિક્ષણ માટે કરવામાં આવશે. જૈનુદ્દીન વલીએ પોતાની જીવન સફર દરમ્યાન અનેક સમાજ સેવાના કામો કર્યા હતા. તેઓ ગોધરા નગરના તમામ સમાજના ગરીબ, અશક્ત, આર્થિક રીતે નબળા લોકોની વહારે રહ્યા હતા. તેઓએ લાંબા સમય સુધી લાયન્સ ક્લબ ગોધરા ખાતે સક્રિય રહી સેવાઓ આપી હતી. તમામ સમાજની સુધારાવાદી ચળવળમાં તેઓએ સમાજના લોકોને સાથે રાખી રૂઢીઓ અને કુરિવાજો કામગીરી કરી હતી.
જનસેવા એજ્યુકેશન ટ્રસ્ટની સ્થાપના કરી જનસેવા સ્કૂલ દ્વારા હજારો બાળકોને શિક્ષિત કરી તેમના ભાગ્યવિધાતા બન્યા હતા. નગરને આર્થિક વેગ આપવા માટે જનસેવા ક્રેડિટ કો ઓપરેટીવ સોસાયટીની સ્થાપના કરી 30 વર્ષથી પણ વધુ સમય માટે ડાયરેક્ટર તરીકે સેવામાં પ્રવૃત રહ્યા હતા. ગોધરા ખાતે અર્બન બેન્કની સ્થાપના કરવામાં મોટો ફાળો રહેલો હતો. સાબુ અને ઈંટ ઉદ્યોગને ગોધરામાં નવી દિશા આપી હતી. સમાજની સેવાની સાથે પોતાના પરિવારને સંગઠિત રાખી બાળકોમાં પણ ઉત્તમ સંસ્કારનું સિંચન કર્યું હતું. દીકરાઓને ડોક્ટર તેમજ દીકરીઓને આર્કિટેક બનાવ્યા. સમાજ સેવાના સંસ્કારોના સિંચન દ્વારા આજે તેમના બાળકો ડૉ. સુજાત, ડૉ. સરવર, શબાના, શબનમ પણ તેમના માર્ગદર્શક રસ્તા પર સમાજની સેવામાં અગ્રેસર બન્યા છે.
આ અગાઉ પણ ગોધરા નગરમાં સામાજિક સેવા ક્ષેત્રે કામગીરી કરનાર જુબેદા જૈનુદ્દીન વલીનું 83 વર્ષની ઉમરે તારીખ 8-6-2019 ના રોજ અવસાન થયું હતું. તેમની પણ મરણોત્તર ઈચ્છા મુજબ તેમના મૃતદેહને પણ પરિવારજનો દ્વારા દાહોદ ઝાયડ્સ મેડીકલ કોલેજને તબીબી શિક્ષણ અર્થે અર્પણ કરવામાં આવ્યો હતો.