ગોધરા,ગોધરા શહેરમાં કુતરાનો આતંક યથાવત રહ્યો છે. આજરોજ જીલ્લા કલેકટર કચેરી કંપાઉન્ડમાંં કચેરીમાં આવેલ અરજદારો અને કર્મચારીઓ ઉપર કુતરાએ હુમલો કરી 7 વ્યકિતઓને બચકાં ભર્યા હતા. રોષે ભરાયેલ લોકોએ કુતરાંને મોતને ધાટ ઉતાર્યો હતો.
ગોધરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કુતરાનો આતંક વધી રહ્યો છે. થોડા દિવસોમાં રખડતા કુતરા કરડવાના કિસ્સાઓ અનેક સામે આવ્યા છે પરંતુ આવા રખડતા કુતરાના આતંક થી નગરજનોને બચાવવા પાલિકા તંત્ર અસમર્થ હોય તેવુંં લાગી રહ્યું છે. અવારનવાર લોકો કુતરાના આતંકનો ભોગ બનતા હોય છે અને કુતરાએ બચકાં ભરતાં લોકો પોતાના બાળકોને ધરની બહાર કાઢતા પણ ડરી રહ્યા છે. ગત સપ્તાહમાં માત્ર 48 કલાકમાં 42 લોકોને કુતરાંએ બચકાં ભર્યા હોવાનું સામે આવ્યું હતું. તેમ છતાં પાલિકા વિભાગ રખડતા કુતરાઓની રંંઝાડ અટકાવામાં આવી નથી. જેને લઈ નગરજનો રખડતા કુતરાઓના આતંકનો ભોગ બનવા રામ ભરોસે છોડવામાં આવ્યા છે. આજરોજ ગોધરા શહેર જીલ્લા કલેકટર કચેરી કંપાઉન્ડમાં રખડતા કુતરાએ કચેરીમાં આવતાં અરજદારો અને કર્મચારીઓ તેમજ બાળકી સહિત 7 વ્યકિતઓને કુતરાએ બચકા ભર્યા હતા. કલેકટર કચેરીમાં કુતરાએ અરજદારો, કર્મચારી અને બાળકીને બચકા ભરતા લોકોનું ટોળું રોષે ભરાઈને કુતરાને મોતને ધાટ ઉતાર્યા હતા. ગોધરામાં પ્રતિદિન વધતા રખડતા કુતરાના આતંક થી નગરજનોની સુરક્ષા માટે કાર્યવાહી કરે તે જરૂરી છે.