ગોધરામાં પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

This image has an empty alt attribute; its file name is IMG-20240125-WA0654-1024x579.jpg

ગોધરા, પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ ગોધરા શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ મુખ્યમથક ખાતેથી નીકળેલી આ વિશાળ તિરંગાયાત્રામાં શહેરના વિવિધ સમાજના લોકો, શાળાના બાળકો, પોલીસ વિભાગના કર્મચારીઓ, વનવિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ તિરંગાયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને રામસાગર તળાવ ખાતે સમાપન પામી હતી.

આવતીકાલે 75 પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે પ્રજાસત્તાક દિનની ઉજવણીની પૂર્વસંધ્યાએ પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આજે ગોધરા શહેરમાં વિશાળ તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોધરા શહેરના પોલીસ મુખ્યમથક ગ્રાઉન્ડ ખાતેથી ગોધરા ધારાસભ્ય સી.કે.રાઉલજી, મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથાર, જિલ્લા કલેક્ટર આશિષ કુમાર, ગોધરા રેન્જ ડીઆઇજી આર.વી.અસારી અને જિલ્લા પોલીસવડા હિમાંશુ સોલંકી દ્વારા વિશાળ તિરંગારેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જેમાં ગોધરા શહેરનાં તમામ સમાજના લોકો, ગોધરા શહેરના તમામ ગણેશ મંડળના સભ્યો, રાજકીય પક્ષોના હોદ્દેદારો તથા કાર્યકરો, પોલીસ વિભાગના કર્મચારીઓ, વનવિભાગના કર્મચારીઓ સહિત વિવિધ શાળાના બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતાં. ગોધરા શહેરના પોલીસ મુખ્યમથક ખાતેથી નીકળેલી આ તિરંગાયાત્રા ચર્ચ સર્કલ થઈને વિશ્વકર્મા ચોકથી શ્રી ગણેશજી વિસર્જનયાત્રાના પરંપરાગત રૂટ પર ફરીને રામસાગર તળાવ ખાતે સમાપન પામી હતી. તિરંગાયાત્રાનું પશ્ચિમ વિસ્તારોમાં મુસ્લિમ સમાજ દ્વારા પુષ્પવર્ષા કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર આશિષ કુમાર દ્વારા તિરંગા યાત્રામાં જોડાયેલા તમામ લોકોનો આભાર વ્યક્ત કરીને આગામી સમયમાં યોજાનાર કાર્યક્રમોને આ પ્રકારે જ સહયોગ આપવા માટે અનુરોધ કર્યો હતો.