પંચમહાલના ગોધરાની ખાનગી શાળાને નીટની પરીક્ષાનું કેન્દ્ર ફાળવવા બાબતે હવે એનટીએની ભૂમિકા પર સવાલ ઉઠી રહ્યા છે. તપાસમાં એનટીએની શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે. નીટની પરીક્ષા માટે સરકારી પરિસરને બદલે ખાનગી શાળામાં કેન્દ્ર ફાળવાયુ હતુ. સરકારી પરિસરમાં પરીક્ષા કેન્દ્ર ફાળવાયુ હોત તો કૌભાંડ઼ ન થાત તેવો દાવો કરાઈ રહ્યો છે અને ખાનગી શાળામાં પરીક્ષા કેન્દ્ર હોવાથી ચોરી કરાવવાનું શક્ય બન્યાનો આરોપ છે. એનટીએએ ક્યા કારણોસર ખાનગી શાળામાં કેન્દ્ર ફાળવ્યુ તે દિશામાં તપાસની માગ કરવામાં આવી છે.
ગુજરાતમાં આયોજિત નીટની પરીક્ષામાં ચોરી કરાવવા મામલે વધુ એક વિગત સામે આવી છે. જે મુજબ નીટની પરીક્ષા યોજવા માટે ગોધરા શહેરની આસપાસમાં આવેલી ૪ જેટલી પ્રીમાઈસીસમાં એનટીએ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. સર્વે એ પ્રકારનો કરવામાં આવ્યો હતો કે નીટ ૨૦૨૪ ની પરીક્ષા આ પ્રીમાઈસીસમાં યોજી શકાય કે કેમ તે અંગે સર્વે બાદ તમામ પ્રીમાઈસીસના સંચાલકો દ્વારા નીટની પરીક્ષા યોજવા માટેની મંજૂરી આપવામાં આવે. આ મંજૂરી આપ્યા બાદ પણ એનટીએ દ્વારા નીટની પરીક્ષા ખાનગી શાળામાં જ યોજવામાં આવી અને ખાનગી શાળામાં નીટની પરીક્ષાનું કેન્દ્ર ફાળવવામાં આવ્યુ.
ગોધરામાં આવેલા જબનપુરની સરકારી ઈજનેરી કોલેજમાં પણ એનટીએ દ્વારા સર્વે કરાયો હતો, જેના પ્રિમાઈસીસમાં નીટની પરીક્ષા યોજવા માટે પરંતુ જે બાદ સેન્ટર આખરે ખાનગી શાળાને ફાળવી દેવાયુ હતુ.ત્યારબાદ નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના ષડયંત્રનો પર્દાફાશ થયો હતો.
અહીં સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે સરકારી પ્રિમાઈસીસ ગોધરા શહેરની તદ્દન નજીક હતુ તેમ છતા ખાનગી શાળાને સેન્ટર ફાળવવામાં આવ્યુ. સરકારી ઈજનેરી કોલેજ સાધન સંપન્ન અને તેની અંદર તમામ પ્રકારની સુવિધા હોવા છતા એનટીએ દ્વારા અહીં નીટની પરીક્ષા ન યોજવા પાછળ શું કારણ રહ્યુ તે દિશામાં પણ તપાસ થવી ખૂબજ જરૂરી છે. જો આ દિશામાં તપાસ થાય તો હજુ વધુ ખૂલાસા થઈ શકે તેમ છે.
ગોધરામાં નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના કૌભાંડમાં દિલ્હી નેશનલ ટેસ્ટિંગ એજન્સી પાસેથી તપાસ ટીમે ગોધરા કેન્દ્રમાં પરીક્ષા આપનારા રાજ્ય બહારના વિદ્યાર્થીઓના નામ સરનામા મેળવ્યા હતા. હવે આગામી દિવસોમાં આ વિદ્યાર્થીઓને સમન્સ મોકલવામાં આવનાર છે. આ કૌભાંડની અત્યાર સુધીની પોલીસ તપાસમાં કૂલ ૧૬ વિદ્યાર્થીઓના નામ સામે આવ્યા હતા. જેમાંથી ૧૦ ગુજરાતના અને ૬ અન્ય રાજ્યના વિદ્યાર્થી હતા. હાલ ગુજરાતના વિદ્યાર્થીઓના નિવેદન લેવાઈ ગયા છે અને રાજ્ય બહારના ૬ વિદ્યાર્થીઓના નામ સરનામા માટે નીટની પરીક્ષાનું સંચાલન કરતી નેશનલ ટેસ્ટિંગ એજન્સીને ઈમેલ દ્વારા માહિતી માગવા છતા કોઈ જવાબ ન મળતા પોલીસની ટીમ તાજેતરમાં દિલ્હી સ્થિત સંસ્થાની હેડ ઓફિસ પહોંચી હતી. જ્યાંથી પોલીસે ગોધરા કેન્દ્રમાં પરીક્ષા આપનારા રાજ્ય બહારના વિદ્યાર્થીઓની યાદી મેળવી પરત ફરી હતી.